Get The App

સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં 9655 રજિસ્ટ્રેશન : AIIIMS બાકી

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં 9655 રજિસ્ટ્રેશન : AIIIMS બાકી 1 - image

3 વખત મુદ્દત વધારી છતાં તબીબી સંસ્થાઓ બેધ્યાન : તમામ ક્લિનિક, નસગ હોમ, હોસ્પિટલથી માંડીને લેબોરેટરીઓ હજુપણ કાયદાકીય કાર્યવાહીની ચેતવણીને ગાંઠતી નથી, આરોગ્ય તંત્ર પણ નિષ્ક્રીય

રાજકોટ, : બોગસ ડોક્ટરો પર કાબૂ મેળવવા માટે ગુજરાતમાં વર્ષ 2021માં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અમલમાં આવ્યો પણ હજુ સુધી આ કાયદો બિનઅસરકારક બની રહ્યો છે. ત્રણ-ત્રણ વખત કાયદામાં સુધારો કરાયો છે અને ત્રણ વખત ફરજિયાત રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો કરાયો છે, છતાં તબીબી સંસ્થાઓમાં નિરસતા યથાવત છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યાર સુધીમાં 9655 ક્લિનિક, હોસ્પિટલ, નર્સિંગ હોમથી માંડીને લેબોરેટરી જેવી તબીબી કામગીરી કરતી  સંસ્થાઓએ નોંધણી કરાવી છે. જો કે, હજુ કેટલી તબીબી સંસ્થાઓ બાકી છે, એનો આંકડો આરોગ્ય તંત્ર પાસે પણ નથી. એ તો ઠીક, ગુજરાતની એકમાત્ર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સીસ (એઈમ્સ હોસ્પિટલ)એ પણ હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી.

ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના કાયદાનો ફિયાસ્કો થયો છે તેવી જ દશા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની થઈ છે. ફરજિયાત રજીસ્ટ્રેશનની મુદતમાં હવે એપ્રિલ- 2026 સુધીનો વધારો કરવામાં આવ્યો છે, પણ  સૌરાષ્ટ્ર-કચ્છમાં ફક્ત 9655 ક્લિનિક, હોસ્પિટલ, નસગ હોમ, લેબોરેટરીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે અને હજુ અસંખ્ય ક્લિનિક-લેબોરેટરી રજીસ્ટ્રેશન વિના ધમધમે છે. જેની કડક અમલવારીમાં કરાવવામાં આરોગ્ય તંત્રએ હથિયાર હેઠા મૂક્યાં છે. રાજકોટ સહિત દરેક શહેર-જિલ્લામાં આરોગ્ય અધિકારીઓ ફક્ત સમયાંતરે ચેતવણીઓ ઉચ્ચારતા રહે છે. 

અત્યાર સુધીમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 2374 તબીબી સંસ્થાઓએ નોંધણી કરાવી છે, જ્યારે બીજા નંબરે કચ્છમાં 1128 રજિસ્ટ્રેશન થયા છે. બીજી તરફ રાજકોટ એઈમ્સના સૂત્રોએ જણાવ્યું કે, એઈમ્સ હજુ સંપૂર્ણ કાર્યરત થઈ નથી. અહીં તબીબી સુવિધા વધારવા સહિતની કામગીરી તબક્કાવાર ચાલી રહી છે, એટલે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધણીમાં વિઘ્ન આવ્યું હોઈ શકે છે. આ બાબતે એડમિનિસ્ટ્રેશન વિભાગનું ધ્યાન દોરીને જરૂરી પ્રક્રિયા કરવામાં આવશે.

આ કાયદો તમામ પ્રકારની ઉપચારાત્મક અને નિદાન બંને પ્રકારની ક્લિનિકલ સંસ્થાઓને લાગુ પડે છે. જેમ કે તમામ જાહેર અને ખાનગી હોસ્પિટલ, મેટરનિટી હોમ, નસગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનેટોરિયમ અથવા કોઈપણ નામ ધરાવતી સંસ્થા જે બીમારી, ઈજા, ખોડ અથવા ગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળની જરૂર હોય તેવી સેવાઓ, સુવિધાઓ પ્રદાન કરે છે. આ સાથે એવી જગ્યા જ્યાં રોગોનું નિદાન અથવા સારવાર જેમાં પેથોલોજીકલ, બેક્ટેરિઓલોજિકલ, આનુવંશિક, રેડિયોલોજીકલ, રાસાયણિક, જૈવિક તપાસ, પ્રયોગ, નિદાન કરવામાં આવે છે, જેમાં સિંગલ ડાક્ટર ક્લિનિક્સનો સમાવેશ થાય છે, જેમણે આ કાયદાની જોગવાઈઓ અનુસાર દરેક ક્લિનિકલ સ્થાપના માટે નોંધણી કરાવવી ફરજિયાત છે.