Gujarat

૯૪૦ કિ.મી.સ્ટ્રોમ વોટર લાઈન , અમદાવાદમાં મોટાપાયે સ્ટ્રોમ વોટરલાઈન નંખાશે,બંછાનિધિ પાની

By GS TEAM
20 Jun 20252 mins read
૯૪૦ કિ.મી.સ્ટ્રોમ વોટર લાઈન , અમદાવાદમાં મોટાપાયે સ્ટ્રોમ વોટરલાઈન નંખાશે,બંછાનિધિ પાની

  અમદાવાદ, શુક્રવાર, 20 જુન,2025

અમદાવાદમાં ૨૫૦૦ કિલોમીટરના રોડ નેટવર્ક સામે ૯૪૦ કિલોમીટરમાં વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોમ વોટર લાઈન છે.શહેરમાં મોટાપાયે સ્ટ્રોમ વોટર લાઈન નંખાશે. આ માટે પંદર દિવસમાં એક રુપરેખા ઘડી કઢાશે એમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહયુ છે.વધુ જરુર ધરાવતા વિસ્તારથી સ્ટ્રોમ વોટરલાઈન નાંખવાની કામગીરી શરુ કરવામાં આવશે.દરમિયાન વિપક્ષ તરફથી વરસાદી પાણી ભરાવાના મામલે જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવા માંગણી કરાઈ હતી.

ગુરૃવારે મધરાતે પડેલા ભારે વરસાદના પગલે ૧૦૫ સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા. ૧૦ સ્થળે ૮ કલાકથી વધુ સમય વરસાદી પાણી રહયા હતા. મ્યુનિસિપલ કમિશનરે કહયુ, મધુમાલતી આવાસ સિવાય બંધન ટ્રાય એંગલથી લઈ મોટા ભાગના સ્થળે વરસાદી પાણી હવે ઓસરી ગયા છે. શહેરમાં સ્ટ્રોમ વોટરલાઈન નાંખવાની કામગીરી ઝડપથી કરવી પડે એમ છે. પ્લાનિંગ કરી સમગ્ર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન નેટવર્ક નાંખવાની કામગીરી કરાશે. વરસાદી પાણીના નિકાલ માટે સાબરમતી ઉપરાંત ફતેવાડી, ખારીકટ કેનાલ અને ગોતા-ગોધાવી કેનાલ એમ ચાર સ્પોટ કે જે સ્ટ્રોમ વોટર આઉટલેટ ધરાવે છે એમાં વરસાદી પાણીનો નિકાલ થઈ શકે એ પ્રમાણે આયોજન કરવામાં આવશે.વિપક્ષનેતાની આગેવાનીમાં પ્રિ-મોન્સૂન એકશન પ્લાનની નિષ્ફળતાને લઈ કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન પછી તેમણે પ્રતિક્રીયા આપી હતી.

હવામાન વિભાગ સાથે  વરસાદને લઈ સંકલન કરાશે

હવામાન વિભાગ સાથે સંકલન કરી શહેરમાં કયારે,કયાં અને કેટલા ઈંચ વરસાદ પડશે એ અંગે નાગરિકોને જાણકારી મળી રહે એ માટે એક સોફટવેર તૈયાર થઈ રહયુ છે. મ્યુનિસિપલ કમિશનરે કહયુ, કયા વિસ્તારમાં કેટલા ઈંચ સુધીનો વરસાદ પડશે,કેટલા વિસ્તાર જળબંબાકાર બની શકે એમ છે એ પ્રકારની તમામ વિગત શહેરીજનોને મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ અને અન્ય માધ્યમ થકી મળી રહે એ પ્રકારનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.