સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકાના રાંદેર ઝોનમાં આવેલા રિવરફ્રન્ટ પર આગામી 10 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલ સફળ થાય તે માટે સુરત પાલિકા જિલ્લા કલેક્ટર, પ્રવાસન વિભાગ તથા અન્ય તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના 94 જેટલા પતંગબાજો પોતાના કરતબ દેખાડશે.
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી 10 જાન્યુઆરીના રોજ અડાજણ તાપી નદી કિનારે આવેલા રિવર ફ્રન્ટની બાજુના પ્લોટ માં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ નું આયોજન કરાયું છે તેના માટે તડામાર તૈયારી થઈ રહી છે. આ તૈયારી માટે જુદા જુદા વિભાગે જુદી જુદી કામગીરી સોંપી દેવામાં આવી છે.
આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના 94 જેટલા પતંગબાજો ભાગ લેશે. જેમાં બહેરીન, કોલંબીયા, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ જેવા દેશોના 45 તથા કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ, કેરલના 20 તથા ગુજરાતના 29 મળી કુલ 94 જેટલા પતંગબાજોના અવનવા પતંગોના કરતબો અજમાવતા સુરતીઓને જોવા મળશે. ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ની સાથે સુરત શહેરના રમતવીરો, વિદ્યાર્થીઓ પણ આ કાઈટ ફેસ્ટિવલમાં જોવા મળશે.


