Gujarat

ભાયલીમાં વેપારીના બેન્ક એકાઉન્ટમાં ત્રણ દિવસમાં જ 9276 UPI ટ્રાન્ઝેક્શનો

By GS TEAM
14 Dec 20252 mins read
TukuTouch Logo
સાયબર ફ્રોડ માટે ભાયલીના એક વેપારીના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી રૂ.26.81 લાખના માત્ર ત્રણ દિવસમાં જ 9276 યુપીઆઇ મારફતે વ્યવહાર થયા હોવાની વિગતો બહાર આવતા જિલ્લા પોલીસે ગુનો દાખલ કરી ભાયલી તેમજ જંબુસરના વેપારીની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાયલીમાં વેપારીના બેન્ક એકાઉન્ટમાં ત્રણ દિવસમાં જ 9276 UPI ટ્રાન્ઝેક્શનો

સાયબર ફ્રોડ માટે ભાયલીના એક વેપારીના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી રૂ.26.81 લાખના માત્ર ત્રણ દિવસમાં જ 9276 યુપીઆઇ મારફતે વ્યવહાર થયા હોવાની વિગતો બહાર આવતા જિલ્લા પોલીસે ગુનો દાખલ કરી ભાયલી તેમજ જંબુસરના વેપારીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સાયબર ક્રાઇમને મદદરૂપ થાય તે માટેના સમન્વય પોર્ટલ પર મ્યુલ બેંક એકાઉન્ટોની ઇનપુટના આધારે તપાસ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં સાયબર ફ્રોડમાં સંડોવાયેલ મનાતું ભાયલીની બેંક ઓફ બરોડા બ્રાન્ચનું મેસર્સ જે.જે. પટેલ એન્ડ કંપની નામનું એક કરન્ટ બેંક એકાઉન્ટની વિગતો પ્રકાશમાં આવી હતી. આ કરંટ એકાઉન્ટની ફર્મના માલિક જિગ્નેશ જશભાઇ પટેલ (રહે. સરદારચોક, ભાયલી) હોવાનું જણાયું  હતું.

દરમિયાન બેંક એકાઉન્ટની વિગતો તપાસ કરતાં આંધ્ર પ્રદેશ, સિમલા, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર સહિતના અલગ અલગ રાજ્યોમાં આ બેંક એકાઉન્ટને લગતા સાયબર ફ્રોડને લગતા ગુના નોંધાયા  હોવાનું જાણવા મળ્યું હતું. આ એકાઉન્ટ તા. 14 ફેબુ્રઆરીના રોજ ખૂલ્યું હતું અને માત્ર ત્રણ દિવસમાં જ રૂ.26.81 લાખના 9276 ટ્રાન્ઝેક્શનો  ઓનલાઈન યુપીઆઇથી કરવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી હતી. આ એકાઉન્ટમાં પૈસા જમા થયા બાદ તે રકમ અલગ અલગ અન્ય બેંન્કોના એકાઉન્ટોમાં રકમ ટ્રાન્સફર કરાઇ હતી.

દરમિયાન પોલીસે જિગ્નેશ પટેલની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, મારા મિત્ર અતુલકુમાર બાવનજી માકડીયા (રહે.પ્રમુખ પ્રેરણા સોસાયટી, જંબુસર)ના કહેવાથી કમિશનથી નાણાકીય લાભ મેળવવા માટે અન્ય મિત્ર તુષારના એકાઉન્ટ સાથે મારુ એકાઉન્ટ લિન્ક કર્યું હતું. ઉપરોક્ત વિગતોની ફરિયાદ બાદ પોલીસે જિગ્નેશ પટેલ અને અતુલકુમાર માકડીયાની ધરપકડ કરી હતી જ્યારે પ્રમુખ પ્રેરણા સોસાયટી જંબુસરમાં રહેતા તુષાર ગોહિલની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, ભાયલીનો જિગ્નેશ પટેલ ઇંટો, રેતી, કપચી સહિતના બિલ્ડિંગ મટિરિયલનો ધંધો કરે છે જ્યારે અતુલ માકડીયા પ્લાસ્ટિક ભંગારના ધંધા સાથે જોડાયેલો છે.