Get The App

9224 પરિવારની માસિક આવક 50,000થી 2 લાખ છતાં 'ગરીબ'!

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
9224 પરિવારની માસિક આવક  50,000થી 2 લાખ છતાં 'ગરીબ'! 1 - image


રાશન વિતરણમાં લોલમલોલ બાદ હવે ખુલાસા મગાયા : 626 રાશનકાર્ડ ધારકો તો ખાનગી કે સરકારી સંસ્થાઓમાં હોદ્દેદારો છતાં મફત સરકારી અનાજ લોવાનું નથી ચૂકતા 

જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં અનેક સુખી સંપન્ન કાર્ડ ધારકો પણ સસ્તા અનાજનો સામાન લઈ જાય છે, જ્યારે જરૂરિયાતમંદ લોકોને સરકારી પળોજણના કારણે સસ્તું અનાજ મળતું નથી. જૂનાગઢ જિલ્લામાં ૨૫ લાખની આવક ધરાવતા 304 અને 6 લાખની આવક ધરાવતા 8920 કાર્ડધારકો દ્વારા સસ્તું અનાજ લેવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી લોલમલોલ બાદ હવે પુરવઠા વિભાગે આવા રાશનકાર્ડ ધારકોને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે.

1.20 લાખથી ઓછી વાષક આવક ધરાવતા રાશનકાર્ડ ધારકોને અનાજ મળી રહે એ માટે સરકાર દ્વારા મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ પૂરવઠા તંત્રમાં ચાલતી લાગવગ અને લોલમલોલના કારણે જમીન જાગીર ધરાવતા સુખી સંપન્ન લોકો, વેપારીઓ, સરકારી ખાનગી ક્ષેત્રમાં હોદ્દો ધરાવતા લોકોએ પણ એન.એફ.એસ.એ કાર્ડ મેળવી લીધા હતા અને સરકાર દ્વારા અપાતું સસ્તું અનાજ કટકટાવતા હતા. તાજેતરમાં કેન્દ્ર સરકારના શંકાસ્પદ ડેટાની ઓનલાઇન યાદી મળી છે, જેમાં 2.47  એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો, 25 લાખથી વધુ આવક ધરાવતા વેપારીઓ અને અન્ય સુખી સંપન્ન લોકો, સરકારી કે ખાનગી ક્ષેત્રમાં હોદા ધરાવતા હોદેદારો પણ સરકારી અનાજ લેતા હોવાનો ખુલાસો થયો છે. 

આ યાદી પુરવઠા તંત્રને મોકલવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં આવેલી યાદી મુજબ 25 લાખથી વધુ આવક ધરાવતા 304 અને 6 લાખથી વધુ આવક ધરાવતા 8920 રાશનકાર્ડ ધારકો દ્વારા સરકારી અનાજનો લાભ લેવામાં આવે છે. જ્યારે સરકારી કે ખાનગી ક્ષેત્રમાં હોદ્દો ધરાવતા ૬૨૬ હોદેદારો પણ સરકારી અનાજ ગપચાવતા હતા. અત્યારસુધી લોલમલોલ ચાલ્યું અને હવે ઉપરથી ગડગડીયુ આવતા પુરવઠા તંત્રએ આવા રેશનકાર્ડ ધારકોને નોટિસ આપી આઇટી રિટર્નની છેલ્લી કોપી, પી.એમ. કિસાન લેન્ડ હોલ્ડીંગ 2.47 એકરના 7-12, 8-અ ના ઉતારાની નકલ માંગી છે. જો પાંચ દિવસમાં ડોક્યુમેન્ટ રજૂ નહિ થાય તો નિયમાનુસાર કાર્યવાહી કરવા તાકીદ કરી છે.

આમ વર્ષો સુધી સરકારી અનાજ જરૂરિયાત મંદ લોકોના બદલે અનેક સુખી સંપન્ન લોકોને પણ મળ્યું છે, જે ગેરવલ્લે જ ગયું છે. મોટાભાગના લોકો સરકારી અનાજ મેળવી ફેરિયાઓને વેંચી રોકડી કરી લે છે. આ એક ધંધો જ બની ગયો છે ત્યારે આગામી સમયમાં સરકાર અને તંત્ર દ્વારા શુ પગલાં લેવામાં આવે એ જોવું રહ્યું.

અનેક સંપન્ન પરિવારો પાસે BPL, અંત્યોદય કાર્ડ, : જરૂરિયાતમંદોને આપવા પર મનાઈ

મોટાભાગની સરકારી યોજનાઓના લાભ માટે BPL  કાર્ડ ફરજિયાત છે. અનેક સંપન્ન લોકોએ લાગવગ કરી BPL અને અંત્યોદય કાર્ડ પણ મેળવી લીધા છે જે સરકારના લાભ મેળવે છે. જ્યારે જેને હકીકતમાં જરૂર છે એવા પરિવારોને BPL કાર્ડ આપવાની જ અઘોષિત મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ગરીબો ઓછા દેખાડવા માટે સરકારે ગરીબોને જ હાંસિયામાં ધકેલી દીધા છે.


Tags :