વડોદરા,સ્ટીકર પર જણાવેલા તાર કરતા ઓછા તારવાળી પતંગની દોરીની રીલ વેચતા વેપારીને પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એસ.ઓ.જી. પોલીસને માહિતી મળી હતી કે, માંડવી રાજપુરાની પોળમાં ગુલામમોહંમદ રેજેવાલાના ભાડાના મકાનમાં મોહંમદ મકસુદ કલકત્તાવાળા બ્રાન્ડેડ કંપનીની પતંગની દોરીનું વેચાણ કરે છે. દોરાની રીલના સ્ટીકર પર જણાવેલા તાર કરતા ઓછા તારવાળી દોરી ગ્રાહકોને વેચાણ કરે છે. જેથી, પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા મોહંમદમકસુદ મોહંમદકાસીમ કલકત્તાવાલા (રહે. વચલું ફળિયું, રબારીવાસ, તાઇવાડા, વાડી) મળી આવ્યો હતો. તેના ગોડાઉનમાંથી દોરાની ૯૧૬ રીલ કિંમત રૃપિયા ૭.૨૭ લાખની મળી આવી હતી. જે પોલીસે કબજે લીધી છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે,અમદાવાદ કાલુપુર વિસ્તારમાંથી લાવ્યો છે. જેથી,પોલીસે કાલુપુરના પતંગના વેપારી સમસુભાઇ ખોજાને વોન્ટેડ જાહેર કર્યો છે.


