Get The App

મિકેનિકલની 60 તેમજ એરોસ્પેસની 30 બેઠકોની પ્રવેશના પહેલા રાઉન્ડમાં બાદબાકી

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
મિકેનિકલની 60 તેમજ એરોસ્પેસની 30 બેઠકોની પ્રવેશના પહેલા રાઉન્ડમાં બાદબાકી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીની  મિકેનિકલ એન્જિનિયરિંગની ૬૦ તેમજ આ વર્ષથી શરુ કરાયેલા એરોસ્પેસ એન્જિનિયરિંગના કોર્સની ૩૦ એમ કુલ ૯૦ હાયર પેમેન્ટ બેઠકોની પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાંથી બાદબાકી થઈ ગઈ છે.

આ બેઠકો પર પહેલા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી.ગુજરાતમાં ધો.૧૨ પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશની કાર્યવાહી  એસીપીસી દ્વારા કરવામાં આવે છે.ટેકનોલોજી ફેકલ્ટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં આ વર્ષે  હાયર પેમેન્ટ કેટેગરીની ૬૦ બેઠકોનો ઉમેરો થયો છે.આ સાથે જ એરોસ્પેસ એન્જિનિયરિંગ પણ આ વર્ષથી શરુ કરાયું છે.જેમાં ૩૦ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે.

પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં આ બેઠકો ઉપલબ્ધ જ નહીં હોવાથી તરેહ તરેહની અટકળો થઈ રહી છે.ઘણા વિદ્યાર્થીઓને તો ટેકનોલોજી ફેકલ્ટીમાં આ બેઠકો વધી છે તેની જાણ પણ નથી.એટલે પહેલા રાઉન્ડમાં વિદ્યાર્થીઓ તેમાં પ્રવેશથી વંચિત રહ્યા છે.બીજી તરફ યુનિવર્સિટી સત્તાધીશોનું કહેવું છે કે, એસીપીસી હેઠળ આ બેઠકો પર પ્રવેશ આપવા માટે સરકારના શિક્ષણ વિભાગની મંજૂરી જરુરી હોય છે.પહેલા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી શરુ થયા બાદ આ બેઠકો  માટે શિક્ષણ વિભાગની મંજૂરી મળી હોવાથી હવે બીજા રાઉન્ડમાં આ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોમ્પ્યુટર વિભાગમાં પણ ગત વર્ષે ૬૦ હાયર પેમેન્ટ બેઠકોનો ઉેમરો કરાયો હતો.આમ બે વર્ષમાં ફેકલ્ટીમાં ડિગ્રી એન્જિનિયરિંગની ૧૫૦ બેઠકો વધારવામાં આવી છે.


Tags :