આણંદમાંથી મહિનામાં 90 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત
મનપા દ્વારા ચેકિંગ હાથ ધરાશે
સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરતા એકમો પાસેથી 1.04 લાખ દંડ વસૂલાયો
આણંદ: કરમસદ- આણંદ મહાનગરપાલિકાએ જુલાઈ મહિનામાં જાહેરમાં ગંદકી કરતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપતા એકમો વિરૂદ્ધ કાર્યવાહી કરી ૧.૦૪ લાખનો દંડ વસૂલ્યો છે. ૯૦ કિલો પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કર્યો છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સુચના મુજબ મનપા હસ્તકની સેનિટેશન વિભાગની ટીમ દ્વારા જુલાઈ માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાહેરમાં ગંદકી કરતા લોકો સામે તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતાં એકમો સામે દંડકીય કાર્યવાહી કરી રૂપિયા ૧,૦૩,૯૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરેલો છે. ૯૦ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા લોકોને જાહેરમાં ગંદકી ના કરવા અને વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરે તે માટે પણ જરૂરી સુચના આપવામાં આવી છે. ત્યારે મનપાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી ગંદકી, કચરો નાખનારા વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.