મહાનગરપાલિકાની વેરા વસૂલાત ટીમનો સપાટો
સંતરામ નિલયમ, દત્ત કોમ્પ્લેક્સ અને જૈનમ ટાવરમાં તંત્રની તવાઈ : સ્થળ પર રૂ.1 લાખથી વધુની વસૂલાત
નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મિલકત વેરો ન ભરતા આસામીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. પાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા છેલ્લા બે દિવસથી ચલાવવામાં આવી રહેલી સઘન ઝુંબેશમાં કુલ ૯ જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવતા અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બુધવારે અને ગુરૂવારે હાથ ધરાયેલી આ કામગીરીમાં લાંબા સમયથી વેરો બાકી હોય તેવી કોમશયલ મિલકતો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરની સૂચના અન્વયે મિલકત વેરાની વસૂલાત માટે ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ધામા નાખ્યા હતા. જેમાં ગુરૂવારે દત્ત કોમ્પ્લેક્સમાં ૨ દુકાનો અને જૈનમ ટાવરમાં ૧ દુકાન સીલ કરવામાં આવી હતી, જેમનો કુલ ૬૫,૪૬૫ રૂપિયા વેરો બાકી હતો. જ્યારે અગાઉ બુધવારે પણ પાલિકાએ સપાટો બોલાવીને સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં વેરો ન ભરતી ૬ દુકાનોને સીલ મારી દીધા હતા. આ ૬ દુકાનોનો કુલ ૨,૧૦,૬૨૭ રૂપિયા જેટલો જંગી વેરો બાકી બોલતો હતો.
આમ બે દિવસમાં કુલ ૯ મિલકતો સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પાલિકાની ટીમે સીલિંગની સાથે સાથે સ્થળ પર વસૂલાતની કામગીરી પણ કરી હતી. જેમાં બુધવારે સંતરામ નિલયમ ખાતે ૧ મિલકત ધારક પાસેથી ૪૮,૨૩૮ રૂપિયા વસુલ કરવામાં આવ્યા હતા, જ્યારે ગુરૂવારે કાર્યવાહી દરમિયાન અન્ય ૨ મિલકત ધારકોએ વેરો ભરપાઈ કરતા તેમની પાસેથી ૫૭,૭૦૯ રૂપિયાની વસુલાત કરાઈ હતી. આમ પાલિકાએ સ્થળ પર જ કુલ ૧ લાખ ઉપરની રકમની વસૂલાત કરી હતી. આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ યથાવત્ રહેશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.


