ભારતીય જળ સીમામાં પ્રવેશતી બોટને કોસ્ટગર્ડે ઘેરી લીધી : પોરબંદર લાવવા કાર્યવાહી : અગાઉ તા. 13 ડિસેમ્બરે પાકિસ્તાની બોટ પકડાયા બાદ બીજી ઘટના : સુરક્ષા એજન્સી દ્વારા તમામ ખલાસીઓની સઘન પુછપરછ કરાશે
પોરબંદર, : અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમામાંથી ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે એક પાકિસ્તાની બોટને નવ ખલાસીઓ સાથે પકડી પાડી છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેની સાથોસાથ તેને પોરબંદર લાવવામાં આવી રહ્યા છે તથા અહીંયા ગુનો દાખલ થાય તેવું જણાઈ રહ્યું છે.
અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમામાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સતર્ક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પાકિસ્તાનની એક ફિશિંગ બોટને પકડી પાડવામાં આવી છે, જેમાં કુલ નવ ખલાસીઓ હાજર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા ફરી એકવાર સાબિત થઈ છે. કોસ્ટ ગાર્ડના જવાનો જ્યારે દરિયામાં રૂટિન પેટ્રોલિંગ પર હતા, ત્યારે તેમને એક બોટ ભારતીય જળ સીમામાં પ્રવેશતી જણાઈ હતી. સુરક્ષાકર્મીઓએ તુરંત એક્શનમાં આવી બોટને ઘેરી લીધી હતી અને તેમાં સવાર તમામ ૯ શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા. હાલ આ બોટને જપ્ત કરીને કિનારે લાવવામાં આવી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બોટ પાકિસ્તાનની હોવાનું સ્પષ્ટ થયું હતું. બોટનું નામ અલ મદીના હોવાનું બહાર આવ્યું છે, જેમાં નવ પાકિસ્તાની માછીમારો ખલાસી તરીકે સવાર હતા.કોસ્ટ ગાર્ડ દ્વારા પ્રાથમિક પૂછપરછ હાથ ધર્યા બાદ બોટ તથા ખલાસીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. હાલ બોટને પોરબંદર લાવવાની કાર્યવાહી ચાલી રહી છે, જ્યાં આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઘટનાને લઈ દરિયાઈ સરહદ પર સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે. એક મહિના પહેલા, એટલે કે 13 ડિસેમ્બરે પણ આવી જ એક પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. ફરી એકવાર આ પ્રકારની ઘટના બનતા દરિયાઈ પટ્ટી પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.


