ગોલ્ડ વેલ્યુઅરનાં મિલાપીપણામાં કૌભાંડ બેન્કના મેનેજરે વેલ્યુઅર સહિત 10 શખ્સો સામે રૂા. 97 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ કરી
જામખંભાળિયા, : દ્વારકાની ખાનગી બેન્કના ગોલ્ડ વેલ્યુઅરના મિલાપીપણામાં કેટલાક લોકોએ બેન્કને નબળી ગુણવત્તાનું સોનું ધાબડી દઇ લોનની રકમ લઇ રૂા. 97 લાખની છેતરપિંડી આચરતાં બેન્કના મેનેજરે 10 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ગુન્હો નોંધાયો છે.
દ્વારકામાં બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા જામનગરના રહીશ યોગેશકુમાર દિનેશચંદ્ર વાગડીયા (ઉ.વ. 45)એ દ્વારકામાં રહેતા ભલા નાથા ખાંભલીયા, એસ.કે.મુસ્તફા, અંજીમ હફીજ મુલ્લા, ભીમ બીજલી, રાજેશ ધોરીયા, કાદર રહીમ અલી, અકીબ અજીમ મુલ્લા, રજીયા અજીમ મુલ્લા, સોમા ભીખા નાગેશ (એક્સિસ બેન્કના વેલ્યુઅર) અને અક્ષય ગોરધનદાસ ધાણક સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ વર્ષ 2020 થી 2021ના સમયગાળા દરમિયાન સમયાંતરે આરોપીએ બેન્કમાં ગોલ્ડ લોન લેવા માટે ઓછા કેરેટના અને નબળી ગુણવત્તાવાળા સોનાને બેંકમાં લોન લેતી વખતે ગીરો તરીકે રજુ કરી ગોલ્ડ લોનની માગણી કરી હતી. જે-તે સમયે બેન્કના ગોલ્ડ વેલ્યુઅર અક્ષય ગોરધનદાસ ધાણકે ઓછા કેરેટનું ગોલ્ડ વધુ કેરેટનું અને સારી ગુણવતાનું હોવાનું જણાવી અને ખોટો વેલ્યુએશન રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રીતે લોનધારક આસામીઓ સાથે મિલીભગત કરીને તેઓએ ગોલ્ડનો ખોટો બોગસ વેલ્યુએશન રિપોર્ટ બેંક સમક્ષ ખરા તરીકે રજૂ કર્યો હતો.
આ પ્રકારે બેંકમાં જુદી-જુદી રીતે ગોલ્ડ લોન પેટે કુલ રૂા. 97,17,900 ની માતબર રકમ ઉપાડી લઇ અને એક્સિસ બેન્ક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે તમામ 10 શખ્સો સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરી છે.


