- મહિલાએ ફાઇનાન્સ કંપનીની ખોટી ઓળખ આપી
- પ્રત્યેક વ્યક્તિને રૂપિયા 60,300 ની લોન મળશે જણાવી પ્રોસેસના નામે વ્યક્તિ દીઠ 3,300 ની માંગણી કરી હતી
આણંદ : આણંદ પાસેના ગામડી ગામની મહિલાએ વિદ્યાનગર ખાતે એક સ્પા સેન્ટર ચલાવતી મહિલાને ફાઇનાન્સ કંપનીમાં કામ કરતી હોવાની ખોટી ઓળખ આપી લોન અપાવવાનો ભરોસો આપી પ્રોસેસિંગ ફી પેટે નાણાં મેળવી મહિલા સહિત અન્ય ગ્રાહકોને લોન નહીં અપાવી છેતરપિંડી આચરી હોવા અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
વિદ્યાનગર ખાતે રહેતા રેશ્માખાન પઠાણ વિદ્યાનગરના શહીદ ચોક નજીક સ્પા સેન્ટર ચલાવે છે. તેમની દુકાને વોલ પેપરનું કામ કરતા યુવક મારફતે તેઓ આણંદ પાસેના ગામડી ગામે રહેતા માયાબેન જીથરા ભાઈ રાવતના સંપર્કમાં આવ્યા હતા. માયાબેને પોતે આઈડીએફસી અર્બન ફાઈનાન્સ લિ.માં ફરજ બજાવતી હોવાનું કહી ગુ્રપ લોન કરી આપવાનો ભરોસો આપી રેશ્માબેન અને અન્ય ચાર સંબંધી અને અન્ય મળી કુલ ૯ વ્યક્તિઓની ગુ્રપ લોન કરી આપવાનો ભરોસો આપ્યો હતો. જેમાં એક વ્યક્તિના રૂ. ૬૦,૩૦૦ની લોન હતી અને તે રીતે કુલ ૯ વ્યક્તિના ૫,૪૨,૭૦૦ની લોન મળશે તેમ માયાબેને જણાવી લોન પ્રોસેસિંગ અને ફાઇલ ચાર્જના પ્રતિ વ્યક્તિ રૂ. ૩૩૦૦ની માંગણી કરતા રેશ્માખાને કુલ ૪૬,૦૭૫ ઓનલાઈન માયાબેનને આપ્યા હતા અને માયાબેન ડોક્યુમેન્ટ લઈ ગયા હતા. બાદમાં લોનના નાણાં તમારા ખાતામાં ડાયરેક્ટ જમા થશે તેમ કહ્યું હતું, પરંતુ ઘણો સમય પસાર થઈ ગયા બાદ પણ લોનની પ્રોસેસ આગળ વધી ન હતી જેથી પૂછપરછ કરતા માયાબેને વાયદા કર્યા હતા અને પેમેન્ટ રિસીપ્ટ ના અલગ અલગ સ્ક્રીનશોટ મોબાઈલ ઉપર મોકલી આપ્યા હતા. ત્યારબાદ રેશ્માખાનને લોનનો હપ્તોે રૂપિયા ૮૮૫૦ એડવાન્સમાં આપવાનું કહેતા તેઓએ તે રકમ ટ્રાન્સફર કરી આપી હતી. ત્યારબાદ પણ લોન અંગેનું કામ થયું નહોતું અને ખોટા મેસેજ તથા સ્ક્રીનશોટ બતાવી છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળતા રેશ્માખાન પઠાણે વિદ્યાનગર પોલીસ મથકમાં માયાબેન જીથરાભાઈ રાવત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


