ધોરાજી પાસે ખાનગી બસ અને ખાદ્ય તેલ ભરેલું ટેન્કર અથડાતાં 9 મુસાફરોને ઇજા
રાજકોટ - પોરબંદર નેશનલ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત
એક યુવાનનો હાથ કપાઇ જતાં તેના સહિત 4ની હાલત ગંભીરઃ રોડ ઉપર તેલ ઢોળાતાં આગ જેવો ગંભીર બનાવ ન બને તે માટે ફાયર ફાઈટર્સને બોલાવાયાં
રાજકોટ- પોરબંદર નેશનલ હાઈ-વે પર રાજકોટથી પોરબંદર તરફ રામકૃપા ટ્રાવેલ્સની બસ જઈ રહી હતી. ત્યારે ધોરાજી પાસે રોયલ સ્કૂલ નજીક પસાર થતા અચાનક જ તેલ ભરેલ ટેન્કર રોડ ઉપર આડું ઉતરતા ધડાકાભેર બન્ને વાહનો ટકરાયા હતા. ખાનગી બસમાં રહેલા મુસાફરોની ચીસોથી માર્ગ ગુંજી ઉઠયો હતો.બસમાં સવાર ૪૦ મુસાફરો પૈકી ૯ મુસાફરો ને ઇજા થઇ હતી. આ સમયે તાત્કાલિક જ નેશનલ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી જતા તાત્કાલિક તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં શોકતભાઇ મલેક (ઉં.વ.૫૨)(રહે.પોરબંદર), રામદેવ ચાકિયા(ઉં.વ.૨૮) (રહે.પોરબંદર), સચિન મુકેશભાઈ ગોહિલ (ઉં.વ.૨૫)(રહે.રાજકોટ) તેમજ પ્રકાશ પ્રવીણભાઈ જામ (ઉં.વ.૪૮)(રહે.રાજકોટ), નલીનીબેન ભરતભાઈ વાઢેર (ઉં.વ.૪૦)(રહે.રાજકોટ)ને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.
જ્યારે જીજ્ઞોશ ભીખાભાઈ મકવાણા (ઉ.વ.૩૦)નો હાથ કપાઈ ગયો હતો.તેમજ રવિરાજસિંહ ગુલાબસિંહ જાડેજા (ઉ.વ.૪૨)ને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે પ્રવીણભાઈ ગોપાલભાઈ વૈષ્ણવ (ઉં.વ.૫૩) અને ૫૦ વર્ષના અજાણ્યા પેસેન્જરને પણ ગંભીર ઈજા પહોંચતા બેભાન થઇ ગયા હતો. આ ચારેયને ધોરાજીથી વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.રાણા તેમજ સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયો હતો. અને તેલ ભરેલા ટેન્કરમાંથી તેલ રોડ ઉપર ઢોળાઈ જતા આગ જેવો ગંભીર બનાવ ન બને તે માટે તાત્કાલિક ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઈટરને બોલાવી લેવાયા હતા. ધોરાજી તાલુકા પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે.
ઢોળાઇ રહેલું તેલ એકત્ર કરવા શ્રમિકો વાસણો લઇને પહોંચ્યા
ધોરાજી નજીક અકસ્માતમાં તેલ ભરેલું ટેન્કર પલટી મારી જતા રસ્તા પર તેમજ આસપાસની જગ્યાઓમાં તેલ વહેવા લાગતા આ તેલને ભેગું કરવા માટે આસપાસના વિસ્તારના શ્રમિકો પોતાના પાત્રો લઈ દોડી આવ્યા હતા.અને તેલ એકત્ર કરવા લાગ્યા હતા. અકસ્માતની આ ઘટના બાદ નેશનલ હાઈવે તેલ તેલ થઈ ગયો હતો. જેમાં વધુ કોઈ અકસ્માત કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષાને ધ્યાને લઈ નેશનલ હાઈ-વે ઓથોરીટી તેમજ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી હાઇ-વે સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી.