Gujarat

રાજકોટમાં વધુ 9 લોકો કોરોનાની ઝપટે : 1 વૃધ્ધ વેન્ટિલેટર પર

By GS TEAM
15 Jun 20252 mins read
રાજકોટમાં વધુ 9 લોકો કોરોનાની ઝપટે : 1 વૃધ્ધ વેન્ટિલેટર પર

બિહાર અને જૂનાગઢથી આવેલી 2 મહિલા સંક્રમિત : જામનગરમાં વધુ એક વૃધ્ધ અને 1 મહિલા કોરોનાગ્રસ્ત, રાજકોટમાં હાલ 60 દર્દીઓ સારવાર હેઠળ, અત્યાર સુધીમાં 105 દર્દીઓ સ્વસ્થ થયા

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં આજે પણ કોરોના સંક્રમણ યથાવત રહ્યું હતું. આજે રાજકોટમાં વધુ નવ લોકો કોરોનાની ઝપટે ચડયા હતા. જેમાં બિહાર અને જૂનાગઢથી આવેલી બે મહિલા પણ સંક્રમિત થઈ હતી. જયારે એક વૃધ્ધાની હાલત ગંભીર હોવાથી વેન્ટિલેટર પર લઈને સારવાર ચાલુ કરાઈ હતી. જામનગરમાં આજે થોડી રાહત સાથે માત્ર બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. 

રાજકોટમાં ગત 19મેથી કોરોના સંક્રમણ ચાલુ થયું છે, જેમાં અત્યાર સુધીમાં 165 કેસ નોંધાયા છે. 105 દર્દીઓ સાજા થઈ ગયા છે, જયારે 60 લોકો હજુ સારવાર હેઠળ છે. આ દરમિયાન આજે વધુ 9 કેસ નોંધાયા હતા. જેમાં ઠક્કરબાપા સોસાયટીમાં 61 વર્ષીય વૃધ્ધાને વેન્ટિલેટર પર લેવા પડયા હતા. બીજી તરફ એ.જી. એ સ્ટાફ કવાર્ટરમાં બિહારથી અને અક્ષરવાટીકામાં  જૂનાગઢથી આવેલી મહિલાની તબીયત લથડતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત આજે ભગવતીપરામાં 48 વર્ષિય આધેડ, કલ્યાણ સોસાયટીમાં 72 વર્ષિય વૃધ્ધા, કરણપરામાં 60 વર્ષિય મહિલા, સહજાનંદ પાર્કમાં 34 વર્ષની મહિલા, અમૃતનગરમાં 32 વર્ષિય યુવક અને અંબિકા ટાઉનશીપમાં 28 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. 

જામનગર શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. શહેરી વીસ્તારમાં આજે વધુ બે કેસ નોંધાયા છે. જેમાં પટેલ કોલોની વિસ્તારના 77 વર્ષના પુરૂષ અને આસોપાલવ સોસાયટીના 37 વર્ષના મહિલાનો સમાવેશ થાય છે. ગઈકાલના એક દર્દીને હોસ્પિટલમાં દાખલ છે.  જામનગર શહેરમાં આજની સ્થિતિએ કુલ 47 એક્ટિવ કેસ છે. જયારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે કોઈ કેસ નોંધાયો નથી. ગ્રામ્ય વિસ્તારમાં હાલની સ્થિતિએ કુલ 5 એક્ટિવ કેસ છે. જયારે જિલ્લામાં પર એક્ટિવ કેસ છે.