Gujarat

શેરબજારને કારણે અઢી લાખનું દેણું થઈ જતા 9 લેપટોપની ચોરી કરી હતી

By GS TEAM
26 Sep 20252 mins read
શેરબજારને કારણે અઢી લાખનું દેણું થઈ જતા 9 લેપટોપની ચોરી કરી હતી

દુકાનમાંથી રૂ. 7.16 લાખના લેપટોપ ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ. 70,000થી લઈ રૂ. 1 લાખની કિંમતના લેપટોપ માત્ર રૂ. 30,000માં વેંચતો હતો

રાજકોટ, : ભક્તિનગર સ્ટેશન રોડ પર કાઈઝન સિસ્ટમ સોલ્યુશન નામની દુકાનમાંથી રૂ. 7.16 લાખની કિંમતના નવ લેપટોપની ચોરી કરનાર દુકાનના કર્મચારી સ્મિત દર્શિતભાઈ વ્યાસ (ઉ.વ. 26, રહે, સાયોનારા સોસાયટી, મોતીબાગ ગેઈટ નંબર-2ની બાજુમાં, જૂનાગઢ)ને એલસીબી ઝોન -2ના સ્ટાફે ઝડપી લઈ ચોરીનો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

આરોપી દર્શિત ગઈ તા. 11મીએ રૂ. 20,000ના પગારે નોકરીએ રહ્યો હતો. ચોરી કરવાના ઈરાદે જ નોકરીએ રહ્યો હોય તેમ તેણે બીજા દિવસથી એટલે કે, તા. 12મીથી દુકાનમાંથી લેપટોપની ચોરી શરૂ કરી હતી. દરરોજ પોતાની સાથે સ્કુલ બેગ લઈને આવતો હતો. ગોડાઉનમાં જઈ કોઈપણ એક  બોક્ષ ખોલી તેમાંથી લેપટોપ પોતાની બેગમાં નાખી જતો રહેતો હતો. 

આ રીતે તેણે રૂ. 7.16 લાખની કિંમતના નવ લેપટોપની ચોરી કરી હતી. આ તમામ લેપટોપ રૂ. 70,000થી લઈ રૂ. 1 લાખની કિંમતના હતાં. જે તેણે માત્ર રૂ. 30,000માં લોધાવડ ચોક નજીક કોમ્પ્યુટર રીપેરીંગનું કામ કરતા જયેશ ચાવડાને વેંચી દીધા હતાં. બીલ પછી આપી દઈશ તેમ કહ્યું હતું. તેણે આઠ લેપટોપ વેંચી રૂ. 2.40 લાખની કમાણી કરી હતી. તેની ઉપર શેર બજારના ટ્રેડીંગમાં રૂ. 2.50 લાખનું દેણું થઈ ગયું હતું. 

વળી તેની પત્ની પણ હાલ સગર્ભા હતી. આ સ્થિતિમાં પૈસાની જરૂર હોવાને કારણે તેણે લેપટોપ ચોર્યા હતાં. એલસીબી ઝોન-૨નાં પીએસઆઈ આર.એચ. ઝાલાએ તેને ઝડપી લઈ તેણે વેંચી નાખેલા આઠેય લેપટોપ કબ્જે કર્યા હતાં. એક લેપટોપ હજુ તેણે વેંચ્યું ન  હતું.  આ જ રીતે તેણે અમદાવાદમાં એક દુકાનમાં નોકરી દરમિયાન ચાર લેપટોપની ચોરી કરી હતી. જો કે તેમાં તેના વિરૂધ્ધ ફરીયાદ નોંધાઈ ન હતી. તે દરરોજ જૂનાગઢથી અપડાઉન કરતો હતો.