નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા પૂર્ણ: આ વર્ષે 9 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, ગયા વર્ષ કરતાં 4 ગણા વધુ
Uttarvahini Parikrama : વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ 6 કિ.મી. સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ મહત્ત્વ છે, ત્યારે 29 માર્ચ, 2025થી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરુ થઈ હતી, જે 27 એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી. નર્મદા પરિક્રમામાં ગુજરાત સહિત અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓ આવ્યા હતા. જેમાં આ વર્ષે 9 લાખ 9 હજાર 900 જેટલાં શ્રદ્ધાળુઓએ 15 કિલોમીટરની પરિક્રમા કરી હતી. જ્યારે ગયા વર્ષ કરતાં આ વર્ષે 4 ગણા વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હોવાનું સામે આવ્યું છે.
પરિક્રમામાં 9 લાખથી વધુ શ્રદ્ધાળુ આવ્યા
રાજ્ય સરકારે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની તૈયારીઓ કરી હતી. મુખ્યમંત્રીએ 8 એપ્રિલ, 2025ના રોજ સ્થળ પર જઈને પરિક્રમા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. મળતી માહિતી મુજબ, વર્ષ 2024માં 2.50 લાખ શ્રદ્ધાળુઓ પરિક્રમામાં આવ્યા હતા. જ્યારે આ વખતે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં ગત વર્ષની સરખામણીએ 4 ગણા વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નર્મદા પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો ભક્તો માટે 3.82 કરોડ રૂપિયાના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. જેમાં પરિક્રમા રૂટ, ઘાટ પરની વ્યવસ્થા, બોટ સહિતની અનેક સુવિધાથી શ્રદ્ધાળુને પરિક્રમમાં ઘણી સરળતા રહી હતી. આ સાથે વાહન-વ્યવહાર, પોલીસ સુરક્ષા, પ્રાથમિક સુવિધા સહિતનું આયોજન હોવાથી પરિક્રમાર્થીઓને પરિક્રમા સુગમ રહી હતી.