Gujarat

તાલાલા, સાસણ ગીર પંથકમાં એક દિવસમાં 9 ધરતીકંપો

By GS TEAM
29 Dec 20252 mins read
તાલાલા, સાસણ ગીર પંથકમાં એક દિવસમાં 9 ધરતીકંપો

કચ્છના રાપર પછી તાલાલા ગીરની ધરતી ધ્રૂજી ઉઠી : ઠંડી સવારમાં લોકો ઘરની બહાર દોડી ગયા, સૌથી મોટો આંચકો 3.2ની તીવ્રતાનો : તમામ જમીનની ઉપરી સપાટીએ જ ઉદ્ભવ્યા

રાજકોટ, : કચ્ચના રાપર પંથકમાં ત્રણ દિવસ પહેલા 4.6નો તીવ્ર ધરતીકંપ સાથે અસંખ્ય આંચકા બાદ હવે સૌરાષ્ટ્રમાં ગીરનાર ફોલ્ટ સીસ્ટમ સહિત એક્ટીવ ફોલ્ટ્સ ધરાવતા દેશમાં સિંહઅભ્યારણ્ય તરીકે જાણાતા સાસણ અને તાલાલા ગીર પંથકમાં આજે 14 કલાકમાં ઉપરાઉપરી નાના અને મોટા 9 ધરતીકંપોથી ધરતી ધણધણી ઉઠી હતી. તમામ આંચકા જમીનથી 3 કિ.મી.આસપાસ ઉંડાઈએ ઉદ્ભવ્યા હતા. 

ગત તા. 8થી 12 ડિસેમ્બર દરમિયાન 3.0થી વધુ તીવ્રતાના 3 ભૂકંપો તાલાલાના આ જ વિસ્તારમાં નોંધાયા બાદ બાદ ફરી ઉપરાઉપરી આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે,સવારે મીઠીનીંદર માણતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. 

તમામ આંચકા તાલાલાથી ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશા તરફ 14થી 22 કિ.મી.ના અંતરે આવ્યા હતા જેમાં સૌથી તીવ્ર ભૂકંપ 3.2 મેગ્નિટયુડ પર સવારે ૬.૦૭ વાગ્યે તાલાલાથી 18 કિ.મી.ના અંતરે સાસણગીર પાસે જમીનમાં માત્ર 2.9 કિ.મી. ઉંડાઈએ નોંધાયો છે. આ આંચકાની સાત મિનિટ બાદ 6.14 વાગ્યે ફરી 2.2અને આજે બપોરે 2.32 વાગ્યે 2.7નો આંચકો નોંધાયો હતો. વહેલી મોડી રાત્રિના 2-29થી આજે સાંજ 4.40 સુધીના આશરે 14 કલાકમાં જ 9 ધરતીકંપો નોંધાયા છે. 

આ અંગે તાલાલાથી વધુમાં અહેવાલ મૂજબ આ વિસ્તારના હીરણવેલ, હરીપુર, બોરવાવ, ચિત્રાવડ, ધાવા તેમજ પૂર્વોત્તર દિશામાં આવેલા 20થી વધુ ગામોમાં ધરતીકંપની અસર જોવા મળી હતી.