Gujarat

૧૦ વર્ષમાં પેપરલીકની ૮૯ ઘટનાઓ, ૪૮ જેટલી પરીક્ષાઓ ફરી યોજવી પડી

By GS TEAM
22 Jun 20262 mins read
૧૦ વર્ષમાં પેપરલીકની ૮૯ ઘટનાઓ, ૪૮ જેટલી પરીક્ષાઓ ફરી યોજવી પડી

શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન માટે તથા વિદ્યાર્થીઓનો અવાજ બુલંદ કરવા સમગ્ર રાજ્યભરમાં કોંગ્રેસ 'છાત્ર-ગુંજ' કાર્યક્રમો યાજશે. આ સાથે દેશના ૨૨ લાખ વિદ્યાર્થી અને પરિવારોને એક લાખ કરોડનું નુકસાન થયુ હોઈ સરકારે આ વળતરની ભરપાઈ કરવી જોઈએ તેવી માગ કરાઈ છે.

વડોદરામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે કહ્યું કે દેશભરમાં શિક્ષણ વ્યવસ્થા લૂંટનું માધ્યમ બની જતા લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનો ભોગ બની રહ્યા છે. ગુજરાત રાજ્યમાં વારંવાર પેપરલીકની ઘટનાઓ સામે આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓના સપનાઓ પર પાણી ફરી વળે છે, જે પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને કૌભાંડની સાબિતી છે.

વધુમાં ઉમેર્યું કે મોદી સરકારમાં ૮૯ પેપરલીકની ઘટનાઓ અને ૪૮ પરીક્ષાઓ ફરી યોજવાની ફરજ પડી છે. નીટ, સીબીએસઈ,એસએસસી સહિતની પરીક્ષાઓમાં ગેરરીતિના આક્ષેપ થયા છે. આ પરીક્ષાઓ માટે વિદ્યાર્થી-વાલીઓને ૩.૫ લાખ કરોડનો ખર્ચ થયો હોવાનું જણાયું છે.

કોંગ્રેસનું કહેવું છે કે નીટની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ દ્રારા રૃા. ૧.૩૨ લાખ કરોડ ખર્ચાય છે, જ્યારે કોચિંગ ક્લાસિસ, હોસ્ટેલ સહિતનો ખર્ચ ગણીએ તો આ આંકડો દેશના શિક્ષણ બજેટની સમકક્ષ થાય છે. તેમણે કહ્યું કે પરીક્ષા સંબધિત તણાવના કારણે ૧૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.

વિદ્યાર્થીઓનો સંઘર્ષ છતાં દાખલારૃપ કાર્યવાહી નહિ

બિન સચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ સહિતની અનેક ભરતી પરીક્ષાઓના પેપર લીક થયા છે. પરીક્ષાઓ રદ્ થતા લાખો યુવાનોને રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરવો પડયો છતાં પરીક્ષા સંચાલન માટે જવાબદાર અધિકારીઓ અને તંત્ર સામે દાખલારૃપ કાર્યવાહી કરાઈ નથી.