Vadodara : વડોદરા એસ.ટી. તંત્રે છેલ્લા અઠવાડિયામાં આરટીઓ અને પોલીસને સાથે રાખી સી.ઓ. ચેકીંગ ડ્રાઈવ હાથ ધરી 88 વાહનો ડીટેઈન કર્યા હતા. આ ઉપરાંત 266 વાહનોને મેમો ફટકારી રૂ.2,43,500 દંડની વસૂલાત કરી હતી.
વડોદરા એસ.ટી. વિભાગની સુરખા શાખા, વડોદરા આરટીઓ અને પોલીસ દ્વારા ગત ડિસેમ્બર મહિનામાં સંયુક્ત રીતે સી.ઓ. ચેકીંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વડોદરા અને છોટાઉદેપુર જીલ્લામાં અલગ-અલગ સ્થળોએ ડ્રાઈવ યોજી પરમીટ ભંગ કરી પેસેન્જરોનું વહન કરતા તેમજ અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા 55 વાહનને ડીટેઈન કર્યા હતા. આ ઉપરાંત 154 વાહનચાલકને મેમો આપી રૂ.1.78 લાખના દંડની વસૂલાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત એસ.ટી. ડેપો આસપાસ વાહનો ઉભા રાખી નો પાર્કિંગ ઝોનનો ભંગ કરનારા 33 વાહનને ડીટેઈન કરાયા હતા, જ્યારે 112 વાહનચાલકને આરટીઓ અને પોલીસ મેમો ફટકારવામાં આવ્યો હતો. નો પાર્કિંગ ઝોનના ભંગ બદલ વાહનધારકો પાસેથી રૂા.65,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો.


