- 4 શખ્સો ઝડપાયા, કુલ 8 શખ્સો સામે ગુનો નોંધાયો
- ઘોઘારોડ, બોરતળાવ, સોનગઢ, તળાજા અને બોટાદ રૂરલ પોલીસના દરોડા
ભાવનગર શહેરમાં બોરતળાવ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ૩૦ બોટલ રૂ.૮૬૪૦ નો મુદ્દા માલ કબજે લીધો હતો, જ્યારે ઈસમ ફરાર થઈ ગયો હતો. તેમજ ઘોઘા રોડ પોલીસે અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા કરી વિદેશી દારૂની નવ બોટલ રૂ.૯૬૦નો મુદ્દા માલ કબજે લીધો હતો, જ્યારે દરોડા દરમિયાન એક શખ્સ પકડાયો હતો અને બે ઈસમો ફરાર થઈ ગયા હતા. જ્યારે જિલ્લાના તળાજા તાલુકાના વેળાવદર ગામના બસ સ્ટેશન પાસેથી તળાજા પોલીસે બાતમીના આધારે દિલિપસિંહ દોલતસિંહ વાજાને દારૂની ૩૦ બોટલ સાથે ઝડપી લઈ પુછપરછ કરતા તેને દારૂનો આ જથ્થો અમીત અરવિંદભાઈ ડોડીયા (રહે.નવી ગોરખી) આપી ગયો હોવાની કબૂલાત આપતા બન્ને સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે સોનગઢ સરકારી દવાખાના પાસે ભુતીયા મકાન તરીકે ઓળખાતા મકાન પાસેથી ચેતન પંકજભાઈ મકવાણાને દારૂની ૧૧ બોટલ સાથે સોનગઢ પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે. તદુપરાંત બોટાદ રૂરલ પોલીસે દરોડો કરી વિદેશી દારૂની આઠ બોટલ રૂ.૮૮ ના મુદ્દા માલ સાથે એક ઈસમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


