કોપીકેસમાં ઝડપાયેલા 90 માંથી 87 વિદ્યાર્થી દોષિત : 3 નિર્દોષ જાહેર

- ગત ફેબુ્ર.થી મે માસ દરમિયાન લેવાયેલી યુનિ. પરીક્ષામાં
- 76 વિદ્યાર્થીને રૂા. 2500, 5 ને 4 હજાર અને 6 વિદ્યાર્થીને રૂા. 10 હજારનો દંડ ફટકારાયોઃ સૌપ્રથમ વખત વિદ્યાર્થી પાસેથી દંડ વસૂલાશે
યુનિ.દ્વારા સતત ગત ફેબુ્ર.થી સતત ચારેક માસ ચાલેલી સ્નાતક,અનુસ્નાતક અને ડીપ્લોમા પરીક્ષામાં ૯૦ વિદ્યાર્થી ગેરરીત કરતા ઝડપાઈ ગયા હતા. તમામ વિદ્યાર્થીઓનું એમપીઈસી કમિટિ દ્વારા બે તબક્કામાં હિયરિંગ કરવામાં આવ્યું હતું. અને આજે કમિટિએ તેનો અહેવાલ જાહેર કર્યો હતો. યુનિ.ની વેબસાઈટ પર જાહેર થયેલાં નોટિફિકેશન મુજબ ૯૦ પૈકી ૭૬ વિદ્યાર્થીઓ જે પેપરમાં ગેરરીતિ આચરતાં ઝડપાયા હોય તે પેપરની પરીક્ષા રદ્દ કરવા તેમજ તેમને રૂા.૨૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ભર્યા બાદ આ વિદ્યાર્થીઓને પરીક્ષાની બીજી તક મળશે.તો પાંચ વિદ્યાર્થીને સજારૂપે જે તે પેપર રદ્દ કરવા અને આગામી પરીક્ષામાં તે પેપરની પરીક્ષામાં નહીં બેસી શકવાના નિર્ણય ઉપરાંત તમામને રૂા.ચાર હજારનો દંડ ફટકાર્યો છે.જ્યારે બે વિદ્યાર્થીની ગેરરીતિ સબબ સંપૂર્ણ પરીક્ષા રદ્દ કરવા તથા જરૂર જણાય તેવા કિસ્સામાં પોલીસ કાર્યવાહી કરવા એમપીઈસીની ભલામણનાં આધારે વિચારણા હાથ ધરવા પણ નિર્ણય લેવાયો હતો. જયારે, આ કિસ્સામાં તમામને રૂા.૧૦ હજારનો દંડ ફટકારાયો હતો.જ્યારે ચાર વિદ્યાર્થીની સંપૂર્ણ પરીક્ષા રદ્દ કરવાની સાથે રૂા.૧૦ હજારનો દંડ અને એમપીઈસી કમિટિના નિયમ મુજબ કાર્યવાહી કરાશે. આમ ૮૭ વિદ્યાર્થીને સજા થઈ હતી. તો ૩ વિદ્યાર્થી નિર્દોષ સાબિત થતા તેનું પરિણામ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.









