પરિપત્રમાં આટીઘૂંટીથી જિલ્લાના 1 લાખ પૈકી 85 હજાર ખેડૂતો સહાયથી વંચિત રહે તેવી શક્યતા

- 20 કિલો સફેદ ડુંગળી રૂા. 117 થી ઓછા ભાવે વેંચાઈ હોય તેને જ એક કિલોએ રૂા. 2 સહાય, રૂા. 157 માં વેંચાણ થયું હોય તો ફદિયું પણ નહીં
- ખેડૂતોમાં પ્રવર્તતી નારાજગી : રૂા. 124 કરોડના બદલે એક હજાર કરોડનું પેકેજ જાહેર કરે તો ખેડૂતો સુધી વાસ્તવિક લાભ પહોંચે
રાજ્યના ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, જિલ્લામાં ડુંગળી તૈયાર થઈને બજારમાં આવી ત્યારે ભાવ ગગડી જતા ડુંગળી પકવતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી હતી. આથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળ્યા હોવાથી ખેડૂતોને એક કિલો ડુંગળીએ રૂા.૧૦ની સહાય આપવા ખેડૂતોમાંથી બુલંદ માંગ ઉઠી હતી. દરમિયાનમાં,એપ્રિલ અને મે એમ બે માસમાં જે ખેડૂતોએ યાર્ડમાં ડુંગળીનું વેંચાણ કર્યું હોય તેમના માટે સરકારે મોડે મોડે ગત તા.૩૦એ એક કિલો ડુંગળીએ રૂા.૨ ની સહાય જાહેર કરી છે ત્યારે ભાજપના નેતાઓ લીંબડજશ ખાટવા જાહેરાતોના બણગાં ફૂંક્યા હતા, પરંતુ ડુંગળીની સહાયનો જે પરિપત્ર કરવામાં આવ્યો છે તે આંટીઘૂંટીવાળો છે. પરિપત્રમાં સફેદ ડુંગળીને લઈને જણાવાયું છે કે, ખેડૂતની એક મણ સફેદ ડુંગળી રૂપિયા ૧૧૭ થી નીચે વેંચાય હોય તેને કિલોએ બે રૂપિયા, રૂા. ૧૩૫માં વેંચાણ થયું હોય તેને કિલોએ દોઢ રૂપિયો, રૂા. ૧૪૫ વાળાને એક કિલોએ એક રૂપિયો, રૂા. ૧૫૦માં વેંચાણ થયું તો એક કિલો ડુંગળીએ ૭૫ પૈસા અને જો રૂા. ૧૫૭માં વેચાણ થયું તેને એક ફદિયું સહાય નહીં મળે. એ જ રીતે લાલ ડુંગળી માટે સહાયની રકમ પણ નિર્ધારિત કરાઈ છે.
ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું કે, આ પરિપત્રથી તો જિલ્લાના ૮૫ ટકા ખેડૂતો સહાયથી વંચિત રહેશે.તેથી સરકાર વહેલી તકે તમામ ખેડૂતોને ડુંગળીની સહાય આપે તેમજ સરકારે એપ્રિલ અને મે બે મહિનાની સહાય જાહેર કરી તેમાં માર્ચ અને જૂન બે મહિના વધારી આપે તેવી માંગ કરી છે. સરકારે ડુંગળીની સહાય માટે રૂપિયા ૧૨૪ કરોડ જાહેર કર્યા તે વધારીને રૂપિયા એક હજાર કરોડની ફાળવણી કરે તો વાસ્તવિક લાભ ખેડૂતો સુધી પહોંચી શકે તેવો તેમણે અંતમાં દાવો કર્યો હતો.
ડુંગળીના ઉત્પાદનમાં સૌરાષ્ટ્રમાં અર્ધો અરધ ફાળો ભાવનગરનો
સૌરાષ્ટ્રમાં ૯૦,૨૩૬ હેક્ટર જમીનમાં ડુંગળીનું વાવેતર થાય છે. તેમાં ભાવનગર જિલ્લાના ૪૦,૮૨૮ હેક્ટર વાવેતરનો સમાવેશ થાય છે. એ જ રીતે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું ૨૫,૮૮,૧૬૯ મેટ્રિક ટન ઉત્પાદ્દન થાય છે. જેમાં ભાવનગર જિલ્લાના ૧૨,૦૩,૨૬૨ મેટ્રિક ટન ઉત્પાદ્દનનો સમાવેશ થાય છે.
15 મી સુધીમાં ઓનલાઈન અરજી થઈ શકશે
ડુંગળી પકવતા ખેડૂતો માટે જે સહાય જાહેર કરવામાં આવી છે તે મેળવવા માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. આ માટે ખેડૂતો ૧૫મી જૂલાઈ સુધી અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કર્યા બાદ સમયમર્યાદામાં બાગાયત વિભાગની કચેરીને સાધનિક કાગળો રજૂ કરવાના રહેશે.
એક ખેડૂતને મહત્તમ 25 હજાર કિલો ડુંગળી માટે સહાય મળવાપાત્ર
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્કેટ ઈન્ટરવેશન સ્કીમ (એમઆઈએસ) હેઠળ સહાયમાં કેન્દ્ર સરકાર દ્વારા ૫૦ ટકા ફાળો આપવામાં આવનાર છે. આ યોજના હેઠળ એક ખેડૂતને મહત્તમ ૨૫ હજાર કિલો ડુંગળી માટે વધુમાં વધુ રૂા. ૫૦ હજારની સહાય મળવાપાત્ર રહેશે.








