Get The App

વીજ બિલ બાકી હોવાનો મેસેજ પણ નહીં અને સ્માર્ટ મીટરનું જોડાણ કપાઈ ગયું, 84 પરિવાર 12 કલાક લાઇટ વગર રહ્યા

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
વીજ બિલ બાકી હોવાનો મેસેજ પણ નહીં અને સ્માર્ટ મીટરનું જોડાણ કપાઈ ગયું, 84 પરિવાર 12 કલાક લાઇટ વગર રહ્યા 1 - image


Vadodara Smart Meter : વડોદરા શહેરમાં ફરી એક વખત મધ્ય ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટર સામે લોકોનો રોષ સપાટી પર આવી રહ્યો છે 

મળતી વિગતો પ્રમાણે મકરપુરા વિસ્તારમાં આવેલી પેરેડાઇઝ ફાર્મ નામની સોસાયટીના બી ટાવરના 84 ફ્લેટની વીજળી સોમવારે સવારે 8:00 વાગે ગુલ થઈ ગઈ હતી અને 12 કલાક સુધી રહેવાસીઓ લાઇટ વગર રહ્યા હતા. વીજ કંપનીના સ્માર્ટ મીટરના કારણે થયેલી હેરાનગતિ સામે ઉગ્ર દેખાવો પણ કર્યા હતા. 

સોસાયટીના પ્રમુખ દુષ્યંતભાઈ ગોસાઈ એક વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા ઍપાર્ટમેન્ટમાં શરુઆતથી જ સ્માર્ટ મીટર લગાવાયા છે. ગઈકાલે ઍપાર્ટમેન્ટની લિફ્ટ, બોરવેલ અને બીજી કોમન સુવિધાઓના જોડાણનો વીજ પુરવઠો સવારે 8:00 વાગે અચાનક જ બંધ થઈ ગયો હતો. અમે ઇલેક્ટ્રિશિયનને બોલાવીને તપાસ કરાવી હતી. ઇલેક્ટ્રિશિયને ઇન્ટર્નલ વાયરીંગ બરાબર હોવાનું કહ્યા બાદ અમે મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ફોન કર્યો હતો. ફોન કર્યા બાદ વીજ કંપનીની એક ટીમ આવી હતી અને ખાલી જોઈને જતી રહી હતી. એ પછી બીજી ટીમ છેક છ વાગે આવી હતી. વીજ કર્મચારીઓએ કહ્યું હતું કે તમારું સ્માર્ટ મીટર છે અને બિલ નહીં ભરવાના કારણે જોડાણ આપોઆપ કપાઈ ગયું હશે .એના માટે તમે લાલબાગ ડિવિઝનમાં જાણ કરો .

દુષ્યંતભાઈના કહેવા પ્રમાણે જૂન મહિનામાં અમે કોમન એરિયાનું છેલ્લું બિલ ભર્યું હતું એ પછી કોઈ બિલ આવ્યું નથી અને કોઈ નોટિફિકેશન પણ આવ્યું નથી .જેના કારણે બિલ નહીં ભરાયું હોવાનો કોઈને ખ્યાલ જ નહોતો. આ જાણકારી મળ્યા બાદ અમે તાત્કાલિક બિલ ભરી દીધું હતું. આમ છતાં બે કલાક સુધી વીજ કંપનીના કર્મચારીઓએ ઉડાઉ જવાબો આપ્યા હતા અને રાત્રે 9:00 વાગે વીજ કનેક્શન ચાલુ કર્યું હતું. 

સોસાયટીના અન્ય રહેવાસીઓએ કહ્યું હતું કે અમને સ્માર્ટ મીટર નથી જોઈતા. બીજા મીટરમાં બિલ ભરવાનો મેસેજ પણ આવે છે અને જાણ પણ કરવામાં આવે છે. વીજ કંપની અમને જૂના મીટર લગાવી આપે અને જો તેમને સ્માર્ટ મીટર લગાડવા હોય તો પહેલા નેતાઓ અને અધિકારીઓના ઘરે લગાડે.

Tags :