ગુજરાતમાં ધૂમ ભ્રષ્ટાચાર: 8 હજાર શાળામાં મેદાન નથી છતાં 34 હજાર સ્પોર્ટ્સ કીટની લ્હાણી
(AI IMAGE) |
Gujarat Schools do not have Playgrounds: રમત ગમતને પ્રોત્સાહન આપવાના નામે રમે ગુજરાત, ખેલે ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યાં છે. પણ કડવી વાસ્તવિકતા એછેકે, શાળાઓમાં રમતના મેદાનો જ નથી. મેદાન વિના શાળાઓને આડેધડ મંજૂરીઓ આપીને મોટી ખાયકી કરવામાં આવી છે અને હવે રમતના નામે ગ્રાન્ટ વાપરવા શિક્ષણ વિભાગે તરકટ રચ્યુ છે. આખા ગુજરાતમાં 8000થી વધુ શાળાઓમાં મેદાનો નથી. એ પરિસ્થિતી વચ્ચે સરકારે 34,000 સ્પોર્ટસ કીટની લ્હાણી કરવા નક્કી કર્યુ છે.
શાળામાં રમત ગમતનું મેદાન જ નથી
શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓનો રમત ગમતમાં રસ વધે, શારીરીક રીતે સક્ષમ બને તેના પર શિક્ષણ વિભાગે ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. આ કારણોસર શાળા પ્રવેશોત્સવ, કેળવણી મહોત્સવ પછી ‘ખેલે ગુજરાત’ના નામે રમતોત્સવ પણ યોજવામાં આવે છે. આ બધા સરકારી તાયફા છતાંય વિદ્યાર્થીઓ રમતથી વંચિત રહ્યાં હોય તેવો અહેસાસ કરી રહ્યાં છે તેનું કારણ એછેકે, શાળામાં રમત ગમતનું મેદાન જ નથી.
રમતના મેદાનો વિના શાળાઓને આડેધડ મંજૂરી આપી ધૂમ ભ્રષ્ટાચાર આચરાયો
7209 સરકારી પ્રાથમિક શાળાઓ મેદાન વિનાની છે. આ ઉપરાંત 1864 ખાનગી પ્રાથમિક શાળાઓમાં પણ રમતના મેદાન નથી. સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં પણ આ દશા છે. હાલમાં કેટલીય શાળાઓ તો શોપિંગ સેન્ટરમાં ધમધમી રહી છે. આ શાળાના વિદ્યાર્થીઓ માટે વ્યાયામ વિષય કેવી રીતે ભણતાં હશે તેની કલ્પના કરવી રહી. રમતના મેદાનો વિના જ શાળાઓને આડેધડ મંજૂરીઓ આપી દેવામાં આવી છે અને ખાયકી કરવામાં આવી છે.
હવે રમતના નામે 30 કરોડનો ધુમાડો
હવે રમતના નામે શિક્ષણ વિભાગ પ્રચાર કરી રહ્યુ છે. પણ સવાલ એછેકે, વિદ્યાર્થીઓ મેદાન વિના રમવા જશે ક્યાં? હવે સરકાર અને શિક્ષણ વિભાગે રમતના નામે નવુ તરકટ રચ્યુ છે. રમત ગમતને પ્રોત્સાહન આપવાના બહાને હવે સરકારે ગુજરાતની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને 34,000 સ્પોર્ટસ કીટ આપવા નક્કી કર્યુ છે. આ સ્પોર્ટસ કીટ પાછળ સરકાર રૂા. 30 કરોડનો માતબર ખર્ચ કરશે. ટૂંકમાં, મેદાન વિનાની શાળાઓમાં વિદ્યાર્થીઓ રમશે ક્યાં એનો વિચાર કર્યા વિના સરકાર સરકારી તિજોરીમાંથી કરોડોનો ધુમાડો કરશે.