Get The App

અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન પોલીસીના પરિવર્તનથી વિઝા કન્સલ્ટન્ટના કામમાં ૮૦ ટકાનો ઘટાડો

વિઝા કન્સલ્ટન્ટ પાસેથી બેરોજગાર થતા રિસેપ્સનીસ્ટ કે પછી ક્લાર્ક તરીકેના કામકાજ સ્વીકારી લેવાનું ચાલુ કરી દીધુ

સ્ટુડન્ટ વિઝા માટે આવતા વિદ્યાર્થીઓથી ધમધમતી વિઝા કન્સલ્ટન્ટ્સની ઓફિસો સૂમસામ થઈ

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન પોલીસીના પરિવર્તનથી વિઝા કન્સલ્ટન્ટના કામમાં ૮૦ ટકાનો ઘટાડો 1 - image


(પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, મંગળવાર

અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનની સરકારે છેલ્લા બે ત્રણ વર્ષમાં કરેલા ઇમિગ્રેશન પોલીસીમાં કરેલા ફેરફારને પરિણામે ગુજરાત અને અમદાવાદના સ્ટુડન્ટ્સ વિઝા કન્સલ્ટન્ટ્સના કામકાજમાં લગભગ ૮૦ ટકાનો ઘટાડો થઈ ગયો છે. એક સમયે સ્ટુડન્ટ્સ વિઝા પર પરદેશ જવા માટે વિદ્યાર્થીઓ પડાપડી કરી રહ્યા હતા, હવે તે જ વિદ્યાર્થીઓનો વિદેશ જવાના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે. કારણ કે તેમને કાયમી નિવાસી તરીકેનું સ્ટેટસ મળતું જ નથી.

કેનેડા, ઓસ્ટ્રેેલિયા, બ્રિટનના સ્ટુડન્ટ વિઝાના કામકાજ સાથે સંકળાયેલા વિઝા કન્સલ્ટન્ટ્સનું કહેવું છે કે હવે વિઝા કન્સલ્ટન્ટ્સે તેમને ત્યાં કામ કરતાં કર્મચારીઓને છૂટા કરવાનું ચાલુ કરી દીધું છે. આમ વિઝા કન્સલ્ટન્ટ્સને ત્યાં કામ કરનારાઓ મોટી સંખ્યામાં બેરોજગાર થવા માંડયા છે. તેમણે બિલ્ડર્સ કે અન્ય ઓફિસોમાં રિસેપ્શનિસ્ટ તરીકેના કે અન્ય કામકાજ સ્વીકારી લેવાનું ચાલુ કરી દીધુ છે.

તેનું બીજું કારણ આપતા વિઝા કન્સલ્ટન્ટ્સ કહે છે કે છેલ્લા ચાર પાંચ વર્ષમાં ઘરે ઘરે વિઝા કન્સલ્ટન્ટ્સની હાટડીઓ ખૂલી ગઈ છે. પરિણામે વિઝા કન્સલ્ટન્સીના કામકાજમાં હરીફાઈ ખાસ્સી વધી ગઈ છે. હવે ઘરમાંથી એક જણ પરદેશ જાય તે પછી બીજો તેના માર્ગદર્શન હેઠળ પોતે જ અરજી કરી દેતા થયા હોવાથી પણ વિઝા કન્સલ્ટન્સીના કામકાજ ઘટી રહ્યા છે. તેઓ ગૂગલ પર બધી જ માહિતી એકત્રિત કરીને ઓનલાઈન જ સ્ટુડન્ટ વિઝા માટેની અરજી કરી દેતા થયા હોવાથી પણ કામકાજ ઘટી રહ્યા છે. 

વિશ્વ ભરના દેશોના વિદ્યાર્થીઓ આઈઈએલટીએસ-આઈલેટ્સની એક્ઝામ માટે તૈયાર કરવાનું કામ કરતી કંપની આઈડીપીના કામકાજ અને નફામાં ઘટાડો થતાં તેના શેર્સના ભાવ ૩૮ પ્લસ ડૉલરથી તૂટીને ૩.૬૧ ડૉલરના તળિયે આવી ગયા છે તે પણ વિઝા કન્સલ્ટન્ટ્સીના કામકાજ તૂટી ગયા હોવાનો નિર્દેશ આપે છે. આઈડીપીએ આઈલેટ્સ ઉપરાંત સ્ટુડન્ટ વિઝાના કામકાજ પર પણ ફોકસ કરવા માંડયું હતું. આઈલેટ્સની એક્ઝામ માટે તાલીમ લેનારાઓ પણ ઘટી રહ્યા છે. શહેરની અગ્રેેજી માધ્યમની શાળામાં જતાં વિદ્યાર્થીઓને હવે આઈલેટ્સની એક્ઝામ માટે તૈયારી કરવાની બહુ મોટી જરૃરિયાત ઊભી થતી નથી. હા, ગામડાંમાં ભણેલા અને અંગ્રેજી માધ્યમની શાળામાં ન ગયેલા વિદ્યાર્થીઓને તેની થોડી ગણી જરૃરિયાત રહે છે. તેથી ગામડાંના વિદ્યાર્થીઓ તાલીમ લે છે. શહેરી વિદ્યાર્થીઓ આઈલેટ્સની તાલીમ લેતા ઓછા થઈ ગયા છે. એક કન્સલ્ટન્ટ પોતાનું નામ ન આપવાની શરતે જણાવે છે કે સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્ટ્સના અંદાજે ૮૦ ટકા કામકાજ ઓછા થઈ ગયા છે.

ત્રીજું, સ્કૂલો અને ટયુશન ક્લાસિસ ચલાવતી સંસ્થાઓ પણ સ્ટુડન્ટ્સ વિઝા પર વિદ્યાર્થીઓને મોકલવાના કામકાજ સાથે જોડાઈ ગઈ હોવાથી પણ સ્ટુડન્ટ્સ વિઝા કન્સલ્ટન્સીના કામકાજ ઠપ થઈ ગયા છે. બારમા ધોરણના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ કરવા માટેના કામકાજ તેમણે પણ કરવા માંડયા હોવાથી વિઝા કન્સલ્ટન્ટના ૮૦થી ૯૦ ટકા કામ ઘટી ગયા છે.

 

Tags :