મે માસની આકરી ગરમીમાં અષાઢી માહોલ વડોદરામાં સમી સાંજે ૮૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડાની સાથે વરસાદ
ધૂળની ડમરીઓ ઉડી અને આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાયા ઃ અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી, લાઇટો ડૂલ
વડોદરા, તા.5 વડોદરા શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મે માસની તીવ્ર ગરમીમાં અષાઢી માહોલ સર્જાયો હતો. ૮૦ કિ.મી.ની સ્પીડે સાંજે વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઉડવાની સાથે કાળા ડિંબાંગ વાદળો ઘેરાયા બાદ વરસાદ વરસ્યો હતો.
વડોદરામાં થંડરસ્ટ્રોમની અસર વચ્ચે સમી સાંજે સર્જાયેલા વાતાવરણના પગલે લોકો અટવાઇ ગયા હતાં. રોડ પરની વિઝિબિલિટિ પણ ઘટી ગઇ હતી. હવામાં પણ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. હવામાનખાતા દ્વારા મધ્ય ગુજરાતના વાતાવરણમાં આંશિક બદલાવની આગાહી કરવામાં આવી હતી. આજે સાંજે વાતાવરણમાં અણધાર્યો બદલાવ આવ્યો હતો. બપોર સુધી સખત ગરમીમાં શેકાતાં લોકોને સાંજના સુમારે વાતાવરણે ઠંડકનો અહેસાસ કરાવ્યો હતો.
સૂસવાટાભેર પવનોના કારણે લોકોમાં ગભરાટ પણ ફેલાયો હતો. અનેક સ્થળોએ મોબાઇલના ટાવરો હલવા લાગતા ગમે ત્યારે પડે તેવી બીક વાહનચાલકોને સતાવતી રહી હતી. હવામાનખાતાના જણાવ્યા મુજબ સાંજે છ વાગ્યાથી સાડા છ વાગ્યા સુધી ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. પવન બાદ વરસાદી ઝાપટું પડયું હતું. સૂત્રોએ ઉમેર્યું હતું કે તા.૭ સુધી થન્ડરસ્ટ્રોમની શક્યતા છે. તીવ્ર વાવાઝોડુ તેમજ વરસાદના પગલે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા અને લાઇટો પણ ડૂલ થઇ ગઇ હતી.