રાજકોટના કોટડાસાંગાણીમાં ગૌશાળામાં ઘાસચારો ખાધા બાદ 80 જેટલી ગાયોના તરફડીને મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot News: રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવેલી રામગર બાપ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં શુક્રવારે (12મી ડિસેમ્બર) સવારે એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે. ગાયોને ઘાસચારો અને મગફળીનો ખોળ ખવડાવ્યા બાદ એક પછી એક ગાયોના તરફડીને મોત થતાં સાંજ સુધીમાં 80 જેટલી ગાયોના મૃત્યુ નીપજ્યા હતી. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
નિત્યક્રમ બાદ એકાએક મોતનો સીલસીલો
મળતી માહિતી અનુસાર, સાંઢવાયા ગામે છેલ્લા 27 વર્ષથી આ ગૌશાળા કાર્યરત છે, જ્યાં હાલમાં આશરે 350 જેટલી ગાયોનો નિભાવ થાય છે. શુક્રવારે સવારે ગાયોને તેમના નિત્યક્રમ મુજબ ચારો નાખવામાં આવ્યો હતો, પરંતુ ચારો ખાધા બાદ ગાયો અચાનક તરફડીયા મારવા લાગી હતી અને તેમના મોત થવા લાગ્યા હતા. સાંજ પડતાં સુધીમાં મૃત્યુનો આંકડો 80 પર પહોંચી ગયો હતો.

પશુપાલન વિભાગ હરકતમાં, સારવાર શરૂ
ઘટનાની ગંભીરતા જોતા પશુપાલન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. રાજકોટ, ગોંડલ, કોટડાસાંગાણી સહિતના પશુ ડોક્ટરોની એક ટીમ સાંઢવાયાની ગૌશાળાએ પહોંચી ગઈ છે અને અસરગ્રસ્ત અન્ય પશુઓની તાત્કાલિક સારવાર શરૂ કરી છે. ગાયોના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ઘાસચારાના મહત્ત્વના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં ડોક્ટરો દ્વારા ફૂડ પોઈઝનિંગને કારણે ગાયોના મોત થયાનું તારણ કાઢવામાં આવ્યું છે. પોલીસ અને પશુપાલન વિભાગે આ ઘટના પાછળનું ચોક્કસ કારણ અને અન્ય કોઈ પરિબળ જવાબદાર છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.








