રાજકોટ જિ.પંચાયતનાં સ્થળાંતર દરમિયાન ભંગાર કાર ખસેડવામાં 80,000નો ધૂમાડો
રૂા.84 લાખના ખર્ચમાં તપાસ રિપોર્ટ હજુ બાકી
સાવ કંડમ ગાડીઓ સંપૂર્ણ બંધ હાલતમાં હોવાથી ટોઈંગ વાનથી ખસેડવી શક્ય નહીં હોવાના કારણે ક્રેઈનની મદદ લેવી પડયાનો તંત્રનો બચાવ
રાજકોટ જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ નિર્માણ પામી રહ્યું હોવાથી એકાદ વર્ષથી મોચી બજાર સ્થિત જૂના કોર્ટ બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં સાફ-સફાઈ, ફનચર હેરફેર, રીપેરીંગ કામ, ચેમ્બર સેટઅપ વગેરે પાછળ અધધ રૂા.૮૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં કૌંભાડ થયાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવતા વિશેષ તપાસ સમિતિની રચના કરીને ૧૫ દિવસમાં રીપોર્ટ સોંપવાની ડીડીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. જે તપાસને હવે એક સપ્તાહ બાકી છે, ત્યાં જૂન-૨૦૨૪થી ઓક્ટોબર-૨૦૨૪ સુધીમાં રિનોવેશન અને શિફ્ટીંગની કામગીરીમાં ભંગાર કાર પાછળ રૂા.૮૦ હજારનો ખર્ચ પણ શંકાના દાયરામાં આવી ગયો છે.
જિલ્લા પંચાયતનાં પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને કારોબારી ચેરમેન પી. જી. કયાડાએ થોડા દિવસો પહેલા સ્થળાંતર ખર્ચના વિવાદ સમયે જાહેર કરેલા હિસાબમાં ઉલ્લેખ છે કે, 'જૂની જિલ્લા પંચાયત કચેરીમાં ૧૦ જેટલી વિવિધ શાખાની કંડમ કરવાની થતી ગાડીઓને ક્રેઈનમાં ચડાવીને કોર્ટ બિલ્ડિંગના કેમ્પસમાં મુકવાનો ખર્ચ રૂા.૮૦,૦૦૦ થયો છે. જે ગાડીઓ સંપૂર્ણ બંધ હાલતમાં હોવાથી ટોઈંગ વાનથી ખસેડવી શક્ય નહીં હોવાથી ક્રેઈનની મદદ લેવી પડી છે.' આ મુદે વિપક્ષના નેતા મનસુખ સાકરીયાએ આક્ષેપ કર્યો હતો કે, ભંગારમાં પણ કોઈ ભાવ ન પુછે એવી કંડમ ગાડીઓનો નિકાલ કરી નાખવાને બદલે માત્ર અડધો કિ.મી. શિફ્ટીંગ પાછળ રૂા.૮૦ હજારનો ધૂમાડો કરવો વ્યાજબી નથી.