વિદેશ મોકલવાના બહાને રૂ. 19.20 લાખની ઠગાઈ: 8 યુવાનો ભોગ બન્યા

વડોદરાના યુવકોને વિદેશ મોકલવાના બહાને એડવાન્સ રકમ લઈ વિઝા તથા વર્ક પરમિટ ન આપી રૂ. 19.20 લાખની ઠગાઈ આચરનાર ઈમિગ્રેશન સંચાલક વિરુદ્ધ કપુરાઈ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
હરણી વિસ્તારમાં રહેતા નિકુલભાઇ પંડ્યા નોકરી કરે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, મે તથા મારા મિત્રો સ્નેહ રાય અને પૂર્વેશ ચૌહાણ ન્યૂઝીલેન્ડ તથા કેનેડા જવા માંગતા હોય વર્ક પરમિટ માટે ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ ભાવિનભાઈ ચંદુલાલ શાહ (ઓફિસ - જસરાજ પ્લાઝા, પરિવાર ચાર રસ્તા પાસે) નો સંપર્ક કર્યો હતો. અને વ્યક્તિ દીઠ રૂ. 9 લાખ તથા એડવાન્સ વ્યક્તિ દીઠ રૂ. 2 લાખ નક્કી કરી રૂ. 6 લાખ આપ્યા હતા. ત્યારબાદ આજદિન સુધી અમને વિઝા અપાવ્યા નથી. અમે રકમ પરત માંગતા ખોટા વાયદાઓ કરે છે. તેમણે આપેલા ચેક પણ રિટર્ન થયા છે. તપાસમાં વિદેશ જવા માંગતા અન્ય 5 લોકો પણ ભોગ બન્યા હોવાની વિગતો બહાર આવી હતી. આમ, વિઝા તથા વર્ક પરમીટ અપાવવાના બહાને કુલ રૂ. 19.20 લાખ મેળવી ઠગાઈ આચરી હતી. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે સંચાલક ભાવિન શાહ વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

