Jamnagar Fraud Case : જામનગર નજીક સિક્કામાં રહેતા એક ઇજનેર યૂવાન સહિત કુલ આઠ વ્યક્તિઓ વિદેશમાં ઊંચા પગારે નોકરી મેળવવાની લાયમાં છેતરપિંડીનો શિકાર બન્યા છે, અને ખંભાળિયા પંથકના એક શખ્સ દ્વારા તમામ વ્યક્તિ પાસેથી રૂપિયા સાડા અગિયાર લાખ જેવી રકમ પડાવી લઇ નોકરી નહીં અપાવી છેતરપિંડી કરી હોવાથી સિક્કા પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કામાં રહેલા અને એક ખાનગી કંપનીમાં હાલ ક્રેઇન ઓપરેટર તરીકે નોકરી કરતા ચિરાગ નરેશભાઈ પરમાર નામના 28 વર્ષના ઇજનેર યુવાને પોતાની સાથે વિદેશમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરવા અંગે મયુરભાઈ ઉર્ફે માયુ પુંજાભાઈ મસુરા નામના ખંભાળિયા તાલુકાના પરોડીયા ગામના એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે, અને પોતાની તેમજ તેની સાથેના અન્ય સાત વ્યક્તિની કુલ 11.56 લાખની રકમ મેળવી લીધા બાદ નોકરી નહીં અપાવી હાથ ખંખેરી લીધાનું ફરિયાદમાં જાહેર કરાયું છે, જે આરોપીને પકડવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં નજીક સિક્કામાં વૃંદાવન સોસાયટીમાં રહેતો ચિરાગ નરેશભાઈ પરમાર નામનો યુવાન કે જે પોતાના અંકલેશ્વરમાં રહેતા સંબંધીના સંપર્કમાં આવ્યા બાદ મલેશિયા અને સિંગાપોરમાં રૂપિયા સવા લાખના પગારે નોકરી માટે જવું હોય તો તેણે ખંભાળિયા તાલુકાના પરોડીયા ગામના મયુરભાઈ ઉર્ફે માયુ પુંજાભાઈ મથુરાનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જેના સંપર્ક કરતાં ટેલિફોનિક વાતચીત થયા બાદ નોકરીમાં જવું હોય તો રૂપિયા સાડા ત્રણ લાખ આપવા પડશે તો હું તમારું બધું ગોઠવી દઈશ તેવું ખંભાળિયાના શખ્સ દ્વારા જણાવાયું હતું.
પરંતુ આટલી મોટી રકમ ચિરાગ પરમાર ગોઠવી શકે તેમ ન હોવાથી તેને રસ્તો બતાવ્યો હતો, અને ખંભાળિયાના શખ્સ દ્વારા અન્ય યુવાનોને પણ શોધવા જણાવ્યું હતું. જો સંખ્યા વધારે હશે તો રકમમાં ઘટાડો કરીને દોઢ લાખમાં બધાનું સેટિંગ કરી આપીશ તેવું પ્રલોભન આપ્યું હતું, અને એક પછી એક કુલ 8 વ્યક્તિઓ જોડાયા હતા, અને તમામેં એકત્ર થઈને રૂપિયા 11,56,400 ની રકમ આપી દીધી હતી. ગત જુન માસમાં આ રકમ આપ્યા બાદ સાત મહિના જેટલો સમયગાળો વીતી જવા છતાં કોઈપણ પ્રકારની નોકરી અથવા વિદેશ જવાની વ્યવસ્થા ગોઠવી નહીં આપી તમામના નાણા પચાવી પાડ્યા હતા. જેથી ગઈકાલે સિક્કા પોલીસ મથકમાં આ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદના અનુસંધાને સિક્કા પોલીસે તપાસનો દોર ખંભાળિયા સુધી લંબાવ્યો છે, અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.


