વિદેશમાં નોકરીની લાલચ આપી જૂનાગઢના 8 યુવાન સાથે છેતરપિંડી
૩૦ ફેબ્રુઆરીનો ઓફર લેટર, ફ્લાઇટ ટિકિટ ફેંક! : યુવાનો બેંગ્લોર પહોંચ્યાં ત્યારે ટિકિટ અને વિઝા ફેંક હોવાની જાણ થતાં પરત આવ્યા, મધુરમમાં આવેલી ઓફિસને તાળાં
જૂનાગઢ, : જૂનાગઢના આઠ યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપી મધુરમમાં આવેલી કન્સલટન્સીના સંચાલકે 5-5 લાખ રૂપિયા લીધા હતા અને બેંગ્લોરથી ફલાઇટ હોવાનું કહેવાતાં નોકરીવાંચ્છુઓ ત્યાં ગયા હતા. ત્યાંના એરપોર્ટ પર ફલાઇટ ટિકિટ અને વિઝા ફેંક હોવાનું ખુલતા આ યુવાનો પરત આવ્યા હતા. દરમિયાન કન્સલટન્સી એજન્સી ખાતે તાળાં લાગા ગયેલા જણાયા હતા. આ યુવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે આ દિશામાં તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી એક કન્સલટન્સી દ્વારા યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપવામાં આવી હતી, જેના આધારે સુમિત મેવાડા, ભૂમિત ગોહેલ સહિત આઠ યુવાનોને યુરોપમાં નોકરી આપવા તથા ત્યાંની ટિકિટ તેમજ વિઝા કરી આપવા કહી પ-પ લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ કોઈ કાર્યવાહી કરી ન હતી. થોડા સમય પહેલા આ યુવાનોને વિદેશમાં મોકલવા માટે ઓફર લેટર ઉપરાંત મુંબઈથી બેંગ્લોર, ત્યાંથી મલેશીયા અને ત્યાંથી અલ્બેનીયાની ફ્લાઈ ટિકિટ આપવામાં આવી હતી.
આ યુવાનો બેંગ્લોર એરપોર્ટ પર ગયા ત્યારે ફ્લાઈટ ટિકિટ અને વિઝા ફેક હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે ઓફર લેટર આપ્યો હતો તેમાં તા. 30 ફેબ્રુઆરી હતી પણ 30 ફેબ્રુઆરી તો ક્યારેય આવતી જ નથી! આમ છતાં આ યુવાનો સાથે આવી રીતે છેતરપિંડી કરી હતી. આજે આ યુવાનો બેંગ્લોરથી જૂનાગઢ પરત આવ્યા હતા. મધુરમમાં આવેલી કન્સલટન્સી ઓફિસ ખાતે પહોંચ્યા તો ત્યાં તાળાં જોવા મળ્યા હતા. છેતરાયા હોવાની અનુભૂતિ થતાં યુવાનો સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા જ્યાં પોલીસે આધારપુરાવાઓ અંગેની તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.