શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતી ૮ વર્ષની બાળકીનું મોત

વડોદરા,સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો ધરાવતી ગોધરાની ૮ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. સયાજી હોસ્પિટલમાં અત્યારસુધી ૧૭ બાળકો સારવાર માટે દાખલ થયા હતા. જે પૈકી ૯ બાળકોના મોત થયા છે. આજે વડોદરાના એક ચાર વર્ષની બાળકીને પણ સારવાર માટે દાખલ કરવામાં આવી છે.
ગોધરાની ૮ વર્ષની બાળકીને ઝાડા ઉલટી, તીવ્ર તાવ અને માથાના દુખાવાની ફરિયાદ સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ચાંદીપુરા જેવા જ લક્ષણો હોવાથી બાળકીની પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં તેની સારવાર શરૃ કરવામાં આવી હતી.આઇ.સી.યુ.માં દાખલ કરાયેલી બાળકીના સેમ્પલ ચકાસણી માટે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા હતા. બાળકીનો રિપોર્ટ આવે તે પહેલા જ સારવાર દરમિયાન મોત થયુ હતું. આજે વડોદરા શહેરની એક બાળકીને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. મકરપુરા વિસ્તારની ૪ વર્ષની બાળકીમા પણ શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો હતા. આ બાળકીના બ્લડ સેમ્પલ ગાંધીનગર ખાતે ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.સયાજી હોસ્પિટલના પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડોક્ટરના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૧૭ બાળકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૯ બાળકોના મોત થયા છે. હાલમાં ત્રણ બાળકો સારવાર હેઠળ છે. જ્યારે અન્ય પાંચ બાળકોને રજા આપી દેવાઇ છે. અત્યારસુધી ૧૨ દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.








