ખેતરો જળમગ્ન બન્યાં, મગફળી-સોયાબીન પાથરા તણાઈ ગયા માલણ : શાહી નદીમાં ઘોડાપૂર આવતાં ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગો બંધ : વ્યાપક નુકસાનથી ખેડૂતોની માઠી દશા
સામતેર, ગીરગઢડા, : ઉના તથા ગીરગઢડા તાલુકામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગત રાત્રિથી ધોધમાર વરસાદ પડયો હતો. 8થી 10 ઈંચ કમોસમી વરસાદથી સમગ્ર પંથકમાં વિનાશ વેરાયો છે. ખેતરો જળમગ્ન બનતા મગફળી તથા સોયાબીનના પાથરા તણાઈ ગયા હતા. જે પાક ઉભો છે તેમાં પણ નુકસાન થતા ખેડૂતોની માઠી દશા થઈ છે. માલણ, શાહી સહિતની નદીઓમાં ઘોડાપૂર આવતાં ગ્રામ્ય વિસ્તારના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા, તો ચીખલ કુબા નજીકના રાવલ ડેમના બે દરવાજા ખોલવા પડયા હતા. ભારે વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળીયો ઝુંટવાઈ ગયો છે.
ગત રાત્રિથી આ બંને વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી સાંજ સુધી પણ ભારે વરસાદ વરસ્યો હતો. માવઠાના કારણે ઉના તથા ગીરગઢડા પંથકના ખેતરોમાં વિનાશ વેરાયો છે. ઉના તાલુકાના સામતેર, નાંદરખ, ખત્રીવાડા, ઉંટવાડા, આમોદ્રા, સનાખડા, સુલતાનપુર, કાણકબરડા, સોંદરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 8થી 10 ઈંચ જેટલો કમોસમી વરસાદ પડતા ખેતરોમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ વિસ્તારના મોટાભાગના ખેતરોમાં મગફળી તથા સોયાબીનના પાથરા પડયા હતા. ભારે વરસાદથી પાથરા ભીંજાવા તો ઠીક, તણાઈ ગયા હતા. અમુક ખેતરોમાં તૈયાર થયેલી મગફળીના ઢગલા હતા. ખેડૂતોએ વરસાદથી બચાવવા પ્લાસ્ટિક ઢાક્યા હતા પરંતુ પાણીના ભારે પ્રવાહમાં મગફળી તણાઈને ખેતરની બહાર નીકળી ગઈ હતી. કપાસ, ડુંગળી તથા હાલમાં જે મગફળી ઉભી છે તેમાં પણ નુકસાન થતા ખેડૂતોની માઠી દશા થઈ છે. માલણ, શાહી સહિતની નદીઓમાં ઘોડાપૂરથી ખત્રીવાડા, આમોદ્રા, સુલતાનપુર, નાંદરખ, રામેશ્વર સહિતના ગ્રામ્ય વિસ્તારોનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી.
બીજી તરફ, ગીરગઢડા તાલુકાના જુડવડલી, ફાટસર, ધોકડવા, વાજડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર કમોસમી વરસાદ પડતા નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યું હતું. ખેતરોમાં પાણી ઘૂસી જતા તૈયાર પાક તથા ઉભા પાકનો સોથ વળી ગયો હતો. આ કમોસમી વરસાદના કારણે મહેનત પાણીમાં તણાઈ જતા ખેડૂતો દેવાદાર બને તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગીર જંગલમાં આવેલા રાવલ ડેમમાં પાણીની ભારે આવક થતા ડેમના બે દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ગીરગઢડા તથા ઉના તાલુકાના 17 ગામને સાવચેત કરાયા હતા.
ડૂબી ગયેલી મગફળીને બાચકાં ભરી બચાવવા મથામણ
ઉના તથા ગીરગઢડા પંથકના અનેક ખેતરોમાં મગફળીના ઢગલા પડયા હતા ત્યારે ધોધમાર વરસાદ પડતા મગફળી પાણીમાં ડુબી ગઈ હતી. ખેડૂતોએ ડુબી ગયેલી મગફળીને પાણીમાંથી કાઢી બચાવવા મથામણ કરવી પડી હતી. આ દ્રશ્યોથી ખેડૂતો દયનીય હાલતમાં જોવા મળ્યા હતા.


