Gujarat

ગલ્લો ચલાવતા શ્રમજીવી પાસેથી ૮ હજાર બળજબરીથી કઢાવી લીધા

By GS TEAM
27 Nov 20251 min read
ગલ્લો ચલાવતા શ્રમજીવી પાસેથી ૮ હજાર બળજબરીથી કઢાવી લીધા

 વડોદરા,ગલ્લો ચલાવતા શ્રમજીવીને ધમકાવી બળજબરીથી ૮  હજાર પડાવી લઇ કેસ કરવાની ધમકી આપતા આરોપી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

માંજલપુર અલવાનાકા પાસે મહાદેવ નગર માં રહેતા અને ગલ્લો ચલાવતા વિનોદ શ્રીનીરસ મંડલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૩ માં  કોર્પોેરેશનના દબાણ શાખાવાળા મારો ગલ્લો દૂર કરવા માટે આવતા હતા. તે દરમિયાન મારા ઓળખીતા મારફતે કંચન પરમાર સાથે સંપર્ક થયો હતો. તેઓએ ન્યૂઝ ચેનલ ના તંત્રી હોવાની ઓળખ આપી કહ્યું હતું કે, હવે કોઈ હેરાનગતિ કરે તો મને જણાવજો. મારા ઉપરી અધિકારીઓ સાથે ઓળખાણ છે. જેથી, મેં તેઓને વાત કરતા તેઓએ મને કહ્યું કે તમે મને ૩૦ હજાર રૃપિયા આપો. કોર્પોેરેશન વાળા તમને હેરાન કરે નહીં. મેં તેઓને ૩ હજાર આપ્યા હતા. ત્યારબાદ મને ડરાવતા મેં બીજા  પાંચ હજાર આપ્યા હતા. થોડા દિવસ બાદ મને ઔદ્યોગિક વિકાસ નિગમ  તરફથી ગલ્લો દૂર કરવા માટે નોટિસ મળતા કંચન પરમાર ને કહેતા તેઓએ  પૈસા માગી  ધમકી આપી હતી કે, તમે આપેલો ચેક  બેન્કમાં જમા કરાવી બાઉન્સ કરાવી કેસ કરી દઈશ.