Get The App

બિલોદરાની સીમમાં અને માતર રોડ પર સર્જાયેલા અકસ્માતમાં 8 વ્યક્તિને ઇજા

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
બિલોદરાની સીમમાં અને માતર રોડ પર સર્જાયેલા અકસ્માતમાં 8 વ્યક્તિને ઇજા 1 - image

- જિલ્લામાં વધુ બે માર્ગ અકસ્માત 

- ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા, જે-તે વિસ્તારની પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી 

નડિયાદ : નડિયાદ-મહુધા રોડ પર આવેલા બિલોદરાની સીમ નજીક કૂતરું આડુ પડતા બ્રેક મારતા મોટર સાયકલ પાછળ આવતી રિક્ષા અથડાઈને પલટી ખાઈ જતાં રિક્ષામાં બેઠેલા મુસાફરો સહિત છ લોકોને ઇજા થઈ હતી. જ્યારે માતર રોડ ઉપર મોટરસાયકલ પાછળ આઇસર ગાડી અથડાતા બેને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે-તે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

માતર તાલુકાના વણસર ગામમાં રહેતા સંજયભાઈ ખોડાભાઈ પરમાર તેમના કાકા સસરા શકરાભાઈ ભીખાભાઈ પરમારને મોટર સાયકલ પર બેસાડી બાર મુવાડા ગામે મામા સસરામાં દીકરાના લગ્ન પ્રસંગમાં મંડપ બાંધવા જઈ રહ્યાં હતા. આ દરમિયાન નડિયાદ-મહુધા રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે બિલોદરા સીમ બાર મહુડી પાટિયા નજીક કૂતરું આડું આવતા બ્રેક મારતા પાછળ આવી રહેલી રિક્ષા મોટરસાયકલ સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત સર્જાતા બાઈક ચાલક સંજયભાઈ પરમાર, શકરાભાઈ ભીખાભાઈ પરમાર, રિક્ષાચાલક તેમજ રિક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરોને ઈજા થઈ હતી. જેથી આજુબાજુના લોકોએ દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સંજયભાઈ ખોડાભાઈ પરમારની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

જ્યારે બીજા બનાવમાં માતર તાલુકાના પીપળીયા ગામમાં રહેતા અર્જુનભાઈ ચૌહાણ મોટરસાયકલ લઈ માતર જઈ રહ્યાં હતા આ દરમિયાન તારાપુર ખેડા રોડ માતર જુના ગોડાઉન નજીકથી પસાર થતા હતા. ત્યારે પાછળથી આવેલી આઇસર મોટરસાયકલ સાથે અથડાતા બાઇક ચાલક અર્જુનભાઈ ચૌહાણ તેમજ રોડ ઉપર ઉભેલને અડફેટે લેતા તનવીરહુસેન કુરેશી (ઉં.વ.૧૫)ને ઈજા થઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત અર્જુનભાઈ ચૌહાણને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ ચૌહાણની ફરિયાદ આધારે માતર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.