પાણશીણા અને લીંબડી પોલીસના બે કર્મી સહિત 8 શખ્સ 3 દિવસના રિમાન્ડ પર

- રાજકોટની NRI મહિલાનો 49 હજારનો તોડ કરનાર
- લીંબડી PI જે.એન.સોલંકીની AHTUમાં અને પાણશીણા PI વી.આઈ.ખડીયાની સાયબર ક્રાઈમમાં બદલી કરાઈ
રાજકોટની એનઆરઆઈ મહિલા અમદાવાદથી રાજકોટ જતી ત્યારે પાણશીણા ચેકપોસ્ટ પર પાણશીણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિનોદ દુદાભાઈ પાટડીયા તેના વહિવટદારો નરેન્દ્ર વાધેલા, લખધીર ઉર્ફે મુન્નો ઝાલાએ રાત્રીના કાર રોકીને તપાસ હાથ કરતા પરમીટ વાળી વિદેશી દારૂની ચાર બોટલ મળી આવતા દારૂના કેસમાં ફીટ કરવાની ધમકી આપીને રૂ.૪૯ હજારનો તોડ કર્યો હતો.
ત્યાર બાદ લીંબડી પોલીસે કારને આંતરી લીંબડી પોલીસ સ્ટેશનનાં પો.કો. મનહરસિંહ રાણા તથા વહિવટદારો વિજય જયંતીલાલ લકુમ, રોનક દલપતભાઈ પરમાર, રાહુલ કાનજીભાઈ રાઠોડ, ઘનરાજ જયેન્દ્રસિંહ ઝાલા સહિતના ભેગા મળીને એનઆરઆઈ મહિલાની કારના ચાલકને માર મારી દારૂની ૨ બોટલ પડાવી લીધી હતી.
આ મામલે એનઆરઆઇ મહિલાની ફરિયાદને આધારે જિલ્લાં પોલીસ વડા તોડ કરનાર બંને પોલીસ કર્મીની તાત્કાલિક સુરેન્દ્રનગર હેડક્વાર્ટર બદલી કરી છ વહિવટદાર સહિત આઠ શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવા લીંબડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તેમજ જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડયાએ લીબડી પીઆઈ જે.એન.સોલંકી ની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એ.એચ.ટી.યુ.)મા તથા પાણશીણા પીઆઈ વી.આઈ.ખડીયાની સાયબર ક્રાઈમમાં બદલી કરવામાં આવી હતી.









