બાવળ નગર ભાજપના નગરસેવક સહિત 8 શખ્સ જુગાર રમતા ઝડપાયા
- પુરુષોત્તમ રાઈસ મિલમાંથી જુગારની ક્લબ ઝડપાઇ
- ભાજપના નગરસેવક દિપકભાઇ ભટ્ટ સહિત બે જુગારીયા દારૂના નશામાં હતા : 13.56 લાખનો મુદ્દામાલ જપ્ત
બગોદરા : બાવળ શહેરમાં આવેલી પુરુષોત્તમ રાઈસ મિલમાં પોલીસે દરોડો પાડી ભાજપના નગરસેવક સહિત આઠ શખ્સને જુગાર રમતા ઝડપી પાડયા હતા. આઠ જુગારીયા પૈકી ભાજપના નગર સેવક દિપકભાઇ ભટ્ટ સહિત બે શખ્સ દારૂના નશામાં હોવાથી પોલીસે બંનેને લેબોરેટરી કરાવી સ્થળ પરથી રોકડ, મોબાઇલ, ફોરવ્હિલ સહિત રૂ.૧૩.૫૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બાવળા-ધોળકા રોડ ઉપર આવેલી પુરુષોત્તમ રાઈસ મીલમાં ભીખુભાઈ પ્રહલાદભાઈ પટેલ પોતાની મીલની ઓફિસમાં માણસો ભેગા કરી તીન પત્તીનો જુગાર રમી-રમાડી રહ્યા છે. તેવી બાતમીના આધારે બાવળા પોલીસના પી.આઈ સહિતના સ્ટાફે રાઈસ મિલમાં દરોડા પાડતા જુગાર રમતા દીપકભાઈ રમેશચંદ્ર ભટ્ટ (રહે. શુભલાભ સોસાયટી, બાવળા), ભીખાભાઈ પ્રહલાદભાઈ પટેલ (રહે. થલતેજ,અમદાવાદ), જીજ્ઞોશભાઈ ભરતભાઈ પટેલ (રહે.ઉમિયા પાર્ક સોસાયટી, બાવળા), પરેશભાઈ ભીખાભાઈ પટેલ (રહે.પંચશીલ સોસાયટી, બાવળા), અરવિંદભાઈ મનસુખભાઈ સુથાર (રહે. ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, બાવળા), દેવેન્દ્રભાઈ ગુણવંતરાય શેઠ (રહે. જવાહરનગર સોસાયટી, બાવળા),
વિનોદ ચંદ્ર મોહનલાલ પટેલ (રહે.શિવમ ફ્લેટ્સ, બાવળા), અલ્પેશભાઈ કિરીટભાઈ પટેલ (રહે. સત્યમ પાર્ક સોસાયટી, બાવળા) તમામને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ ૧૮,૪૭૦, સાત મોબાઈલ, ફોરવીલ ગાડી સહિત કુલ રૂ.૧૩, ૫૬,૯૭૦નો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારાની કલમ લગાવી તથા જુગાર રમતા દેવેન્દ્રભાઈ ગુણવંતરાય શેઠ અને દિપકભાઈ ભટ્ટ નશાની હાલતમાં હોવાથી તેમને આરોગ્યમાં લેબોરેટરી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ જુગારમાં ભાજપના નેતા બાવળા નગરપાલિકાના નગર સેવક દિપકભાઈ ભટ્ટ પણ ઝડપાતા હાલ આ મુદ્દો જિલ્લામાં ટોપ ધ ટાઉન બન્યો છે.