Get The App

ઈઝરાયેલ મોકલવા બહાને પોરબંદર પંથકના 8 સાથે 56 લાખની છેતરપિંડી

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
ઈઝરાયેલ મોકલવા બહાને પોરબંદર પંથકના 8 સાથે 56 લાખની છેતરપિંડી 1 - image

ફાઈલ ખર્ચ અને અન્ય ખર્ચપેટે નાણાં વસૂલી હાથ ઊંચા કરી દીધા રકમ પરત કરવા આપેલા ચેક બાઉન્સ થયા, કુતિયાણાના ઈશ્વરિયાના પિતા પુત્ર અને આણંદના એક શખ્સ સામે  ફરિયાદ 

પોરબંદર, : પોરબંદર પંથકમાં વિદેશમાં જઈને રોજગારી મેળવવાનો ભારે ક્રૈઝ વધ્યો છે. આની વચ્ચે  ઈઝરાયેલ જવા ઈચ્છુક જુદા જુદા આઠ વ્યકિતઓને જુદી જુદી પ્રક્રિયા કરવા માટે કુતિયાણા નજીકના ઈશ્વરિયાના માધા રાજા રાઠોડ,  તેના પુત્ર જિજ્ઞોશ રાઠોડ અને આણંદના  વિશાલકુમાર નંદકિશોર અનાવત વિગેરેએ એકબીજાની મદદગારીમાં રકમ મેળવી બખરલાના યુવાન સહિત આઠ પાસેથી ફાઈલ ખર્ચ, વીઝા ખર્ચ અને અન્ય ખર્ચ મળી પ્રત્યેક પાસેથી સાત લાખ રૂપિયા મળી કુલ રૂા.૫૬ લાખની છેતરપિંડી કરતા  કુતિયાણા પોલીસ મથકે 3 વ્યકિત સામે ફરિયાદ નોંધાઈ છે. 

બખરલામાં નવા વણકરવાસમાં રહેતા અને કડિયાકામ મજૂરી કરતાં કનાભાઈ મુંજાભાઈ મારૂએ ઈઝરાયેલ જવા માટે  ઈશ્વરિયા ગામના માધા રાજા રાઠોડેનો  સંપર્ક કર્યો હતો. તેને બધી વાત કરતા માધાભાઈએ તેના પુત્ર જિજ્ઞોશની હાજરીમાં ફાઈલ ખર્ચના અને વીઝા બાબતના મળી જુદી જુદી રકમ ભરવી પડશે એમ  કહી ત્યાં જવાનો કુલ ખર્ચ સાત લાખ થશે એમ ઉમેર્યું હતું. આથી કનાભાઈ સિવાયના જયેશ મુંજાભાઈ મારૂ, સુરેશ ગોવિંદ પરમાર ,ધીરૂ નથુું વાઘેલા, રાજુ કારા બગડા,  રવિ પોલા પાંડાવદરા, ઋત્વિક ભીમા ખરા, વિજય રમેશ મારૂ એ 7અન્ય શખ્સો પણ ઈઝરાયેલ જવા તૈયાર થયા હતા. જે બધાએ ફાઈલ ખર્ચ અને અન્ય રકમો આપી હતી અને જુદા જુદા તબક્કે બધાએ સાત લાખ આપતા કુલ  આઠ વ્યકિતના  ૫૬ લાખ રૂપિયા જુદા જુદા બહાને અલગ અલગ સમયે લીધા હતા. 

એ પછી વોટસએપમાં યશ સુપર મારકેટના નામનો જોબ ઓફરનો લેટર તમામને મોકલ્યો અને તા. ૨૯ ઓગષ્ટના રોજ વીઝા લેટર મોકલી કહ્યું હતું કે તમારી  તા. 24મી સપ્ટેમ્બરની ફલાઈટ છે. આથી બધા તા. 20ના રોજ પોરબંદરથી મુંબઈ ટ્રેનમાં ગયા હતા અને આઠેય લોકો અંધેરીમાં ભાડે રૂમ રાખીને રહ્યા હતા પરંતુ વિદેશ મોકલવામાં સામેલ માધાભાઈ ત્યાં દસ દિવસ આવ્યા ન હતા અને બાયોમેટ્રિક કે મેડિકલ થયા ન હતા. એ પછી માધાભાઈએ 'હમણા ઈઝરાયેલ નહી જવાય, તમે પોરબંદર પાછા આવી જાઓ' એમ કહી રૂા. 9800 ઓનલાઈન ટ્રાન્સફર કરીને ટિકીટ ખર્ચ મોકલ્યું હતુું. એ બધા પોરબંદર પરત આવી ગયા હતા અને નાણા પરત માગતા  ધીમે ધીમે તમને બધાને પૈસા આપી દઈશ એમ કહી બધાને સાત લાખના ચેક આપ્યા હતા, જે બધાએ ખાતામાં જમા કરાવ્યા પણ બેલેન્સ ન હોવાથી બાઉન્સ થયા હતા. આખરે છેતરાયેલાઓ પૈકી કનાભાઈ મુંજાભાઈ મારૂએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.