સયાજી હોસ્પિટલના પિડિયાટ્રિક વિભાગમાં ૨૦ દિવસમાં ૮ બાળકોના મોત
૧૫ બાળકો સારવાર માટે દાખલ થયા હતા : એકપણ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી
વડોદરા,સયાજી હોસ્પિટલમાં છેલ્લા ૨૦ દિવસમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની અસરથી બીમાર પડેલા ૧૫ બાળકો સારવાર માટે આવ્યા હતા. જે પૈકી ૮ બાળકોના મોત થયા છે. ૧૫ બાળકોના સેમ્પલ ગાંધીનગર ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા. જે પૈકી ૭ બાળકોના રિપોર્ટ આવી ગયા છે. તેમાં એકપણ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.
મધ્ય ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો છેલ્લા ૨૦ દિવસમાં થયો છે. અલગ - અલગ જિલ્લામાંથી સારવાર માટે અત્યારસુધી ૧૫ બાળકો સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં સારવાર માટે દાખલ થયા છે. બીમાર બાળકોને બે દિવસ સુધી ઝાડા ઉલટી થયા હતા. ત્યારબાદ તીવ્ર તાવ અને ખેંચ આવવાનું શરૃ થયું હતું. ખેંચ આવતા બાળકો બેભાન થઇ જતા હતા. આ બાળકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. આશ્રુતિનું કહેવું છે કે, આ બાળકો એક્યુટ એન્સિફાલિટિસ સિન્ડ્રોમનો શિકાર બન્યા હતા. આ બાળકોમાં બીમારીના જે લક્ષણો હતા. તે ચાંદીપુરા વાયરસથી બીમાર બાળકો જેવા જ છે. પહેલો કેસ જ્યારે આવ્યો ત્યારે ગાંધીનગર જાણ કરી દેવામાં આવી હતી અને બાળકોના સેમ્પલ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા. આજે ઝાલોદના એક વર્ષના બાળકનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. અત્યારસુધી સારવાર માટે આવેલા ૧૫ પૈકીના ૮ બાળકોના મોત થયા છે. જેમાં વડોદરા શહેરનું એક અને પાદરાના એક બાળકને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. વડોદરાના બાળકની તબિયત સુધરતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. જ્યારે પાદરાનું બાળક આઇ.સી.યુ.માં સારવાર હેઠળ છે.
ત્રણ બાળકો હજી સારવાર હેઠળ
વડોદરા,
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સૌથી વધુ કેસ પંચમહાલ અને દાહોદ જિલ્લાના છે. પંચમહાલના ૪, દાહોદના ૫, મહિસાગરના ૧, ભરૃચના ૧, પાદરા ૧, વડોદરા ૧ અને મધ્યપ્રદેશના ૨ બાળકો સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યાહતા. જે પૈકી ૮ બાળકોના મોત થયા છે. જ્યારે ત્રણ બાળકો સયાજીમાં સારવાર હેઠળ છે.
જ્યાંથી કેસ મળ્યા ત્યાં તંત્ર દ્વારા સફાઇ અભિયાન : દવા છંટકાવ
વડોદરા,
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ જે વિસ્તારમાંથી મળી આવ્યા હતા. તે અંગે ગાંધીનગર આરોગ્ય વિભાગની સૂચના મુજબ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વાયરસના ફેલાવા માટે જવાબદાર સેન્ડ ફ્લાય માખીના ઉપદ્રવને અટકાવવા માટે દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો છે.