Gujarat

આણંદ જિલ્લામાં 2 દિવસ દરમિયાન 8 પાર્થિવદેહ સોંપાયા : પરિવારજનોનો કલ્પાંત

By GS TEAM
17 Jun 20252 mins read
આણંદ જિલ્લામાં 2 દિવસ દરમિયાન 8 પાર્થિવદેહ સોંપાયા : પરિવારજનોનો કલ્પાંત

- અમદાવાદ પ્લેન ક્રેશમાં જિલ્લાના 33 મુસાફરોના મૃત્યુ થયા હતા

- પોલીસ એસ્કોટ સાથે આણંદ શહેરના 3 સહિત પ્રત્યેક મૃતદેહને સન્માન સાથે લવાયા : આણંદની યુવતીની અંતિમવિધિ કરાઈ  

આણંદ : અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આણંદ જિલ્લાના ૩૩ પ્રવાસીઓમાંથી છેલ્લા બે દિવસમાં આઠ જેટલા મૃતકોના અવશેષો સાથે ડીએનએ મેચ થતા ઓળખવિધિ થઈ ગઈ હતી. ત્યારબાદ વહીવટી તંત્રએ પૂર્ણ સુરક્ષા સાથે તમામ પાર્થિવદેહને મૃતકોના પરિવારજનોને સોંપી દીધા છે. 

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગતોના પરિજનોના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ નશ્વરદેહને સોંપવાની કામગીરી ચાલી રહી છે. પાથવદેહની સાથે જ મૃતકના સ્વજનને પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મૃત્યુ પ્રમાણપત્ર તેમજ અન્ય કાયદાકીય કાર્યવાહી માટેના જરૂરી તમામ દસ્તાવેજો એક ફાઈલમાં તૈયાર કરીને હોસ્પિટલ તંત્ર દ્વારા સુપરત કરવામાં આવ્યા હતા. પ્રત્યેક પાથવદેહને લાવવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસની બે ગાડી તેમજ મૃતકના સ્વજનો માટે એક અલાયદી ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ડીએનએ સેમ્પલિંગની પ્રક્રિયાથી લઈ મૃતદેહ સોંપવા અને અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા વહીવટી તંત્રના નિયુક્ત અધિકારીઓ મૃતકના પરિજનો સાથે રહ્યા હતા. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલથી આણંદ, ભાલેજ રોડ, ઉત્સવ પાર્ક નં.-૨૯માં રહેતા કિનલબેન સુરેશકુમાર મિસ્ત્રીનો મૃતદેહ લાવી પરિવારજનોને સોંપ્યા બાદ આજે સવારે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. આણંદ તાલુકાના ખંભોળજ ગામના રહેવાસી અને પ્લેન ક્રેશ દુર્ઘટનાના ૨૫ વર્ષીય યુવાન મૃતક આકાશ પુરોહિતનો મૃતદેહ પણ તેમના સ્વજનોને સોંપાયો હતો. ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આજે આણંદ શહેરના બદરૂદીન હલાણી, મલેકબેન હલાણી, બોરસદમાં રહેતા અને મૂળ રાસના મંજુલાબેન પટેલ, તારાપુરના પાર્થ શર્માના પાર્થિવદેહ વહીવટી તંત્રની દેખરેખ વચ્ચે પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. વાસદના મૃતક રજનીકાંત પટેલના ભાઈ વિદેશથી આવ્યા પછી ડીએનએ ટેસ્ટ થશે તેવું જાણવા મળ્યું છે. રામનગરના મહેન્દ્રભાઈ વાઘેલા તથા પીપળોઇના મુકુંદ પટેલના ડીએનએ મેચ થતા મૃતદેહ તેમના સ્વજનોને મોકલવામાં આવ્યા હતા. સ્વજનના અવશેષ ઘરે આવતા પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો હતો.