વરસાદ સાથે ભારે પવનથી માંગરોળ બંદરે લાંગરેલી 8 હોડી ઉંધી પડી ગઈ

પાણી ભરાતાં માંગરોળ- કેશોદ, કામનાથ રોડ પર વાહનવ્યવહાર બંધ : બંદર ઝાપા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી : જનરેટર, ફિશિંગ નેટને પણ નુકસાન
માંગરોળ, : માંગરોળમાં રવિવારે રાતથી ભારે ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદ સોમવારે સવાર સુધી અવિરત વરસતા સાડા આઠ ઈંચ જેટલું પાણી પડયું હતું. ભારે વરસાદને પગલે ગરબીઓ બંધ રાખવાની ફરજ પડી હતી. રાત્રે સુસવાટા મારતા પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા બંદર પર જેટીમાં લાંગરેલી આઠેક હોડીમાં પાણી ભરાતા ઉંધી વળી ગઈ હતી અને મશીન, જનરેટર, ફિશીંગ નેટમાં નુકસાન થયું હતું.દરમ્યાન વરસાદે જોર પકડતાં શહેરમાં તમામ વિસ્તારોમાં ચારે બાજુ પાણી પાણી થઈ ગયું હતું. જુના બસ સ્ટેન્ડ, બંદર ઝાંપા, બહાર કોટ સહિતના વિસ્તારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રાત્રે 10થી 2 વાગ્યા દરમ્યાન બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ ફરી વહેલી સવારે 4 વાગ્યાથી અનરાધાર વરસતા 10 વાગ્યા સુધીમાં વધુ સાડા 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અવિરત વરસેલા વરસાદથી લંબોરા ડેમ વધુ એકવાર ઓવરફ્લો થયો હતો. નોળી નદીમાં પણ પુર આવ્યું હતું.
વરસાદ સાથે ભારે પવનના કારણે બંદર પર જેટીમાં લાંગરેલી આઠેક બોટમાં પાણી ભરાતા ઉંધી વળી ગઈ હતી તેના કારણે મશીન, જનરેટર, ફિશીંગ નેટને નુકસાન થયું હતું. ભારે વરસાદથી સવારે માંગરોળ - કેશોદ રોડ પર ભાટગામ પાસે ભારે માત્રામાં પાણી વહેતા ભારે વાહનો માટે નીકળવું અતિ મુશ્કેલ બન્યું હતું. જ્યારે નાના વાહનચાલકોને વાહનો થંભાવી દેવાની ફરજ પડી હતી.