5 દિવસથી બંધ ગુજરાતનાં 8, દેશનાં 32 એરપોર્ટ ફરી ધમધમતાં
ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ વિરામના પગલે રાજકોટ, ભૂજ, જામનગર, કંડલા, કેશોદ, પોરબંદર, મુંદ્રા ઉપરાંત દેશના જમ્મુ, શ્રીનગર, અમૃતસર, સીમલા, જેસલમેર સહિત એરપોર્ટ શરૂ : જો કે ફ્લાઈટના સમયમાં છેલ્લી ઘડીના ફેરફારની શક્યતા : યાત્રિકોને અપડેટ જાણતા રહેવાની અપીલ
રાજકોટ, : પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં ઉશ્કેરણીજનક હવાઈ હુમલાઓના પગલે ગત તા. 7થી આગામી તા. 15 મેની સવારના 5.29 સુધી ઉત્તર અને પશ્ચિમ ભારતના સરહદી વિસ્તારોમાં એરપોર્ટ નાગરિક ઉડ્ડયન માટે બંધ કરવામાં આવ્યા હતા પરંતુ, હાલ બન્ને દેશ વચ્ચે યુધ્ધ વિરામના નિર્ણયના પગલે અને ગઈકાલે રાત્રે કોઈ તણાવ નહીં સર્જાતા ગુજરાતના રાજકોટ સહિત 8 એરપોર્ટ સહિત દેશના 32 એરપોર્ટ આજથી તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવ્યા છે.
સિવિલ એવીએશન મંત્રાલય અનુસાર 32 એરપોર્ટ ઉપર નાગરિક વિમાન સંચાલન ઉપર કામચલાઉ પ્રતિબંધને આજે ઉઠાવી લેવામાં આવ્યો છે અને આ એરપોર્ટ હવે તાત્કાલિક અસરથી નાગરિકો માટે ઉપલબ્ધ થશે. કામચલાઉ બંધ કરાયેલા વિમાનમથકોમાં ગુજરાતના ભૂજ, જામનગર, કંડલા, કેશોદ, મુંદ્રા, નલિયા, પોરબંદર અને રાજકોટ સમાવિષ્ટ છે જેમાં રાજકોટ એરપોર્ટ સૌથી ધમધમતું છે જ્યાં રોજ સરેરાશ 3000થી વધુ હવાઈયાત્રિકો મુસાફરી કરે છે. આ ઉપરાંત દેશના રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર વગેરે રાજ્યોના અમૃતસર, આદમપુર, અંબાલા, અવંતિપુર, ભટીંડા, બીકાનેર, ચંદીગઢ, હલવારા, હિન્ડોન, જેસલમેર, જમ્મુ, જોધપુર, કિશનગઢ, કુલ્લુ મનાલી, લેહ, લુધિયાણા, પઠાણકોટ, પતિયાલા, સરસવા, શીમલા, શ્રીનગર, થોઈસે, ઉત્તરલઈ વગેરે તમામ 32 એરપોર્ટ આજથી શરૂ કરી દેવાયા છે.
મંત્રાલય દ્વારા મુસાફરોને એવી સલાહ અપાઈ છે કે એરલાઈન્સ સાથે સંપર્કમાં રહીને તેઓ સીધા ફ્લાઈટનું સ્ટેટસ તપાસે અને નિયમિત અપડેટ માટે એરલાઈન્સની વેબસાઈટ પર નજર રાખતા રહે. ઉલ્લેખનીય છે કે પાંચ દિવસથી આ એરપોર્ટ પરની તમામ ફ્લાઈટ બંધ થઈ હતી અને હજારો ટિકીટ્સ કેન્સલ થઈ હતી અને હવે એરપોર્ટ શરૂ થઈ રહ્યા છે ત્યારે સમયમાં ફેરફાર સહિતની બાબતો સંભવ છે. ઈન્ડીગોએ જણાવ્યું છે કે બધી ફ્લાઈટ પૂર્વવત્ થતા સમય લાગી શકે છે, મોડુ થઈ શકે છે અને છેલ્લી મિનિટોના એડજસ્ટમેન્ટ થઈ શકે તેથી ફ્લાઈટ્સનું સ્ટેટસ ચેક કરતા રહેવું. તા.૨૨ મે સુધી પ્રવાસની તારીખ બદલવાથી એટલે કે રિશિડયુલ કરવા માટે ચાર્જમાંથી મુક્તિ તેમજ કેન્સેલેશન ફીમાંથી મુક્તિની સુવિધા માત્ર જે એરપોર્ટ બંધ રહ્યા હતા તે માટે અપાશે. એર ઈન્ડીયાએ પણ રાજકોટ,ભૂજ,જામનગર, જમ્મુ, શ્રીનગર, અમૃતસર, ચંડીગઢ, જોધપુર વગેરેથી આવતી-જતી ફ્લાઈટ શરૂ કરી છે.