Get The App

યુએઇમાં ફસાયેલા ભારતીયોને વતન પહોંચાડવા માટે 8 એરલિફ્ટ કરાવી

ઇન્ડિયન એમ્બેસી સહિત સર્વએ મદદ માટે હાથ ઉંચા કરી દીધા ત્યારે આઠ એરલિફ્ટમાં 1555 લોકોને તેમના ઘર સુધી પહોંચાડયા

આ છે, દુબઇના સોનુ સુદ

Updated: Jul 27th, 2020

GS TEAM

Google News
Google News

સુરતતા. 27 જુલાઈ, 2020, સોમવાર

વર્ષ 1990માં કુવૈતમાં સદ્દામના ત્રાસમાં ફસાયેલા 1 લાખ 70,000 ભારતીયોને સ્વદેશ પરત કરવાનું ભગીરથ કાર્ય મૂળ ભારતના રંજીત કટયાલે કર્યુ હતું. જેના પરથી એરલિફ્ટ બની હતી. હાલમાં કોરોના કાળમાં દેશમાં પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવા માટે અભિનેતા સોનુ સુદ ખરો હીરો બન્યો હતો. એ રીતે ગલ્ફ કન્ટ્રીમાં હાલમાં છ ભારતીયો સોનુ સુદની ભૂમિકા નિભાવી રહ્યા છે. આઠ એરલિફ્ટ દ્વારા તેઓએ 1555 ભારતીયોને સ્વદેશ પહોંચાડવા મદદ કરી છે.

છેલ્લા 16 વર્ષથી યુએઇ દુબઈમાં સ્થાયી થયેલા અને કાપડના બિઝનેસ સાથે સંકળાયેલા મૂળ કચ્છ ચોબારીના ભરત જોશી અને તેમની ટીમમાં કુંજન પટેલ(સાવરકુંડલા), પ્રતાપ મેર(પોરબંદર), ધર્મદેવ ઠાકોર(રાજસ્થાન), જાનકી પંચાલ અને નિલમ બોડા દ્વારા અત્યારસુધીમાં ૮ જેટલી ચાર્ટડ ફ્લાઇટ ગુજરાત મોકલી છે..અને જેમાં 1555 કરતા વધુ ભારતીયોને એરલિફ્ટ કરાવ્યા છે. આ તમામમાં  મોટાભાગનાં ગુજરાતીઓ છે. ભરત જોશીએ કહ્યું કે, તા-૧૫મી મે એ દુબઇમાં બે નાની દીકરી સાથે તેની દાદીને નોંધારા જોઇને દિલ દ્રવી ઉઠયુ. ત્યાર બાદ ભારતમાં માતાનું અવસાન થયુ છતાં એક દીકરી વતન જઇ શકતી ન હતી આ બે ઘટના જોઇને દેશવાસીઓ માટે કંઇક કરવાનો વિચાર જન્મ્યો અને તરત ત્રણ સાથીઓ સહિત આ કાર્યનો આરંભ કર્યો.

સૌપ્રથમ ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કર્યો પણ કોઇ પોઝિટિવ રિસ્પોન્સ નહી મળતા અન્ય અધિકારીઓને પણ મળ્યા પરંતુ કયાંયથી કોઇ હેલ્પ ન મળી. આખરે શારજહામાં ખાનગી ટ્રાવેલ્સ એજન્સી સાથે સંપર્ક કરી ચાર્ટડ ફ્લાઇટ એરેન્જ કરી. એ સમયે તેમના પરિચયમાં માત્ર ૧૫ લોકો હતા જેમને વતન જવુ હતું. તેથી વધુ ફસાયેલા લોકોની ઓળખ માટે ફેસબુક અને વોટ્સએપની મદદ લેવાઇ. આખરે ૧૮૫નું લિસ્ટ થતા પહેલી ફ્લાઇટ રવાના કરાઇ હતી જેમાં ૧૭૫ ભારતીયો હતાં. બાદમાં લાંબુ લિસ્ટ બનતુ ગયુ અને છેલ્લે ૨૪મી જુલાઇએ આઠમી એરલિફ્ટ કરવામાં આવી. વચ્ચે બે વંદે ભારતની ફ્લાઇટમાં પણ થોડાને મોકલ્યા એ રીતે કુલ ૧૫૫૫ ભારતીયોને માદર-એ-વતન પહોંચાડવામાં આવ્યા છે. લોકડાઉન દરમ્યાન જે રીતે ભારતમાં શ્રમિકો ફસાયા હતા તેવી રીતે વિદેશમાં પણ ભારતીયો ફસાયા હતા. કેટલાક લોકોની નોકરી છૂટી ગઈ હતી, કેટલાક પાસે ભાડા ભરવાના કે જમવાના પણ રૃપિયા બચ્યા ન હતા. ત્યારે ચાર્ટડ ફ્લાઇટ તેમણે લોકોના સહયોગ અને ટીમના ખર્ચે કરી હતી..જ્યારે જે લોકો ભાડું ચૂકવવા અસક્ષમ હતા તેમને પણ મદદ કરી હતી.

વંદે ભારત હજી પણ જરૃરી છે

કેરેલાની સરકારે તેમના લોકો માટે ૪૪ વંદેભારત ફ્લાઇટની સગવડ કરી હતી. જ્યારે ગુજરાતમાં માત્ર બે જ ફ્લાઇટ ગઇ છે. હજુ પણ ૫૦૦થી વધુ લોકો વતન જવા અધિરા છે તેમના માટે વંદે ભારતની સુવિધા મળે એવા પ્રયત્નો ભરતભાઇની ટીમ કરી  રહી છે. ચાર યારોએ વતન પહોંચાડયા એટલુ જ નહી, એ તમામની રહેવા-જમવાની પણ વ્યવસ્થા કરી હતી. હજુપણ જમાડવાની સેવા અવિરત ચાલે છે. ૩૦૦ મજુરો તથા દરીયામાં ફસાયેલા ૨૫૦ જેટલા ખલાસીઓને તેઓ જમાડી રહ્યા છે. 

Tags :