Gujarat

મહિને સ્ટ્રીટલાઈટ બંધ રહેવાની ૮ હજાર ફરિયાદ, દક્ષિણઝોનમાં સ્ટ્રીટલાઈટનો કોન્ટ્રાકટ અન્ય કંપનીને અપાશે

By GS TEAM
26 Mar 20261 min read
મહિને સ્ટ્રીટલાઈટ બંધ રહેવાની ૮ હજાર ફરિયાદ, દક્ષિણઝોનમાં સ્ટ્રીટલાઈટનો કોન્ટ્રાકટ અન્ય કંપનીને અપાશે

  અમદાવાદ,ગુરુવાર,26 માર્ચ,2026

અમદાવાદમાં વર્ષ-૨૦૨૧થી ૨૦૨૫ સુધીમાં સ્ટ્રીટલાઈટ બંધ રહેવાની કુલ ૪.૭૮ લાખ ફરિયાદ નોંધાઈ હતી. દર મહિને મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્ટ્રીટલાઈટ બંધ રહેવાની ૮ હજાર ઓનલાઈન ફરિયાદ મળે છે. દક્ષિણ ઝોનમાં સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સની કામગીરી નિશાત એન્ટરપ્રાઈસને આપવામા આવી હતી.જેમની કામગીરી સંતોષકારક નહીં હોવાની દક્ષિણ ઝોનમાં સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ અન્ય કંપનીને આપવા આજે મળનારી  સ્ટેન્ડિંગ કમિટીમાં એડમિનિસ્ટ્રેટર સમક્ષ દરખાસ્ત મંજૂરી માટે મુકવામા આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક વર્ષથી શહેરમા આવેલી ૨.૧૦ લાખ સ્ટ્રીટ લાઈટના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટેનુ ટેન્ડર ફાઈનલ કરવામા આવતુ નથી.બીજી તરફ જુદી જુદી કંપનીઓ પાસે વગર ટેન્ડરે સ્ટ્રીટલાઈટના મેઈન્ટેનન્સની કામગીરી કરાવાતી હોવાથી સ્ટ્રીટલાઈટ બંધ રહેવાની ફરિયાદો સતત વધતી જાય છે.૧૦ જાન્યુઆરી-૨૦૨૦ના રોજ સિટેલૂમ પ્રા.લી.નામની કંપનીને શહેરની તમામ સ્ટ્રીટલાઈટના ઓપરેશન અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ આપવામા આવ્યો હતો.જેની પાંચ વર્ષની મુદત પુરી થઈ થતા કોર્પોરેશનના અધિકારીઓની વારંવાર રજૂઆત છતાં કોન્ટ્રાકટરે કામ કરવા તૈયારી દર્શાવી નહોતી.હવે દક્ષિણઝોનમાં સ્ટ્રીટલાઈટના મેઈન્ટેનન્સની સંતોષકારક કામગીરી નહી કરનારા કોન્ટ્રાકટરની કામગીરી મે.ક્રીઆન એન્જિનિયરીંગ એન્ડ સર્વિસીસને  આપવા  દરખાસ્ત કમિટી સમક્ષ મુકાઈ છે.