Get The App

782 પ્રાથમિક શિક્ષકોએ CCC ના બોગસ સર્ટિફિકેટ રજૂ કરી લાભો મેળવી લીધાનો ઘટસ્ફોટ

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
782 પ્રાથમિક શિક્ષકોએ CCC ના બોગસ સર્ટિફિકેટ રજૂ કરી લાભો મેળવી લીધાનો ઘટસ્ફોટ 1 - image


Bogus CCC Certificate Scam : સરકારી પ્રાથમિક સ્કૂલોમાં નોકરી મેળવ્યા બાદ ફજીયાત એવી ટ્રીપલસી પરીક્ષા પાસ ન કરી શકતા 782 પ્રાથમિક શિક્ષકે ટ્રીપલ સી પરીક્ષાના બોગસ સર્ટિફિકેટ રજૂ કરી દીધા હતા અને જેના આધારે ઉચ્ચતર પગાર સહિતના અનેક લાભો મેળવી લીધા હતા.જે તપાસ બાદ ઘ્યાને આવતા સરકારે કમિટી રચી હતી અને કમિટીના રિપોર્ટના આધારે નાણા વિભાગની સૂચનાથી શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને આ શિક્ષકો સામે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ કર્યો છે.ઉપરાંત શિક્ષકો પાસેથી તેઓએ મેળવેલા લાભ બદલ નાણાકીય રિકવરી પણ કરવા આદેશ કરવામા આવ્યો છે.

શિક્ષકો પાસેથી રિકવરી સરકારનો આદેશ 

શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને પત્ર લખીને જણાવવામા આવ્યુ છે કે ટ્રીપલ સીના ખોટા (બોગસ ) સર્ટિફિકેટ રજૂ કરનાર કુલ 782 પ્રાથમિક શિક્ષકો પૈકી 198 શિક્ષકોના કેસમાં તેઓને ભવિષ્યની અસર વિના ઈજાફા અટકાવવાની શિક્ષા કરવામા આવી હતી.જે ઓછી હોવાથી પુનઃ વિચારણા કરી તેઓને મોટી શિક્ષા કરવાની કાર્યવાહી કરવામા આવે.

આ ઉપરાંત બોગસ સર્ટિફિકેટ રજૂ કરનારા 782 શિક્ષકોમાંથી 584 શિક્ષકો સામે ખાતાકીય તપાસની કાર્યવાહી ચાલુ હોય સમગ્ર રાજ્યમાં સમાન પ્રકારના કેસોમાં શિક્ષામાં સમાનતા રહે તે માટે તેઓની સામે પણ મોટી શિક્ષાની કાર્યવાહી હાથ ધરી તેઓને મોટી શિક્ષાની કાર્યવાહી કરવામા આવે.  

આ 782 પ્રાથમિક શિક્ષકો દ્વારા ટ્રીપલસીના ખોટા સર્ટિફિકેટ રજૂ કરી ઉચ્ચતર પગાર ધોરણ-નોકરીમાં કાયમી નિમણૂંક જેવા સેવાકીય લાભો મેળવી તેઓએ સરકાર સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યો હોવાથી તેઓ સામે ખાતાકીય તપાસની સાથે પોલીસ ફરિયાદ પણ કરવામા આવે. 782 શિક્ષકોમાંથી હાલ જે શિક્ષકો ચાલુ નોકરીમાં હોય કે નિવૃત થયા હોય તેવા અન્ય તમામ શિક્ષકો પાસેથી આવી ખોટી રીતે મેળવેલ લાભોની રીકવરી પણ સત્વરે કરવામાં આવે. 

જે શિક્ષકો નિવૃત થઈ ગયા હોય તેવા શિક્ષકોના કિસ્સમાં રાજ્ય સેવા નિયમો હેઠળ પેન્શન કાપની શિક્ષા કરવામા આવે. જ્યારે જે શિક્ષકો અવસાન પામ્યા હોય તેવા શિક્ષકોએ મેળવેલ લાભોની રકમની વસુલાત કરવાની રહેશે નહીં તથા તેઓની સામેની તપાસ પણ પડતી મુકવાની રહેશે.

આમ નાણાં વિભાગની સૂચના બાદ શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામકે દાખલારૂપ કાર્યવાહી કરવા આદેશ કર્યો છે અને ખાસ કરીને બોગસ સર્ટિ દ્વારા નોકરી કે વધુ પગાર મેળવનારા શિક્ષકો સામે પોલીસ ફરિયાદનો આદેશ કર્યો છે.જો કે બીજી આટલા બધા શિક્ષકો ક્યાંથી બોગસ સર્ટિફિકેટ લાવ્યા તે પણ તપાસનો વિષય છે.