Gujarat

વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૭3 ટકા જેટલું મતદાન

By GS TEAM
22 Jun 20251 min read
વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૭3 ટકા જેટલું મતદાન

વડોદરા, તા.22 વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં આજે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધી ૭૭ ટકા મતદાન નોંધાયું હતું. સાંજે છ વાગ્યા બાદ કેટલાક સ્થળે મતદારોની લાઇનો હોવાથી મતદાન ચાલું રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વડોદરા તાલુકો, પાદરા, ડભોઇ, વાઘોડિયા, કરજણ, શિનોર, સાવલી અને ડેસર તાલુકામાં કુલ ૨૦૮ ગ્રામ પંચાયતોની આજે સવારના સાત વાગ્યાથી ચૂંટણી યોજાઇ હતી. બેલેટ પેપર દ્વારા યોજાતી ચૂંટણીમાં ઉત્સાહભેર ગ્રામજનો મતદાન માટે ઉમટી પડયા હતાં. સવારના મતદાન માટે બુથો પર લાઇનો જોવા મળી હતી જ્યારે કેટલાંક સ્થળોએ પોલીસના જવાનો વૃધ્ધ અથવા અશક્ત મતદારોને મદદ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા  હતાં.

જિલ્લાના આઠ તાલુકામાં ૫૪૦ મતદાન મથકો પર યોજાયેલી ચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધી ૭૦ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. સૌથી વધુ શિનોર તાલુકામાં તેમજ સૌથી ઓછું વડોદરા તાલુકામાં મતદાન નોધાયું હતું. દશરથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલાંક મતદારોના નામો મતદારયાદીમાં નહી હોવા મુદ્દે સામાન્ય હોબાળો થયો હતો જો કે બાદમાં જાણવા મળ્યું હતું કે તેમના નામો અન્ય બુથમાં જોડાયેલા છે.

ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંકોડીયામાં ઉમેદવાર અને ચૂંટણી એજન્ટ વચ્ચે એક મતદારને મદદ કરવા મુદ્દે બોલાચાલી થઇ હતી. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતાં તંત્રએ પણ રાહત અનુભવી હતી.