આણંદના 252 ગામોની મુલાકાતમાં 1,380 પ્રશ્નોમાંથી 752 નું નિરાકરણ
- મહેસુલ વિભાગ દ્વારા જૂનથી નવેમ્બર દરમિયાન
- સ્થાનિક સમસ્યાઓ, મોબાઈલ ટાવર, રખડતા ઢોર જેવા પ્રશ્નોની રજૂઆતો : હલ માટે ચોથા ગુરૂવારે બેઠક
આણંદ જિલ્લાના લોક સંવાદ- ગામ મુલાકાતના કાર્યક્રમના ભાગરૂપે સંકલનના ૩૯ જેટલા વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં એક જ દિવસે, એક સાથે જિલ્લાના ૩૯ ગામોની મુલાકાત લઈ, લોકો સાથે સંવાદ કરવાની સાથે ગ્રામ્ય વિસ્તારની શાળાઓ, આરોગ્ય કેન્દ્રો સહિત સરકારી સેવાઓની જાણકારી મેળવી હતી.
આણંદ જિલ્લામાં જૂન મહિનાથી શરૂ થયેલા આ કાર્યક્રમ દરમિયાન નવેમ્બર માસ સુધીમાં મહેસુલ વિભાગના અધિકારીઓ દ્વારા ૨૫૨ ગામોની રૂબરૂ મુલાકાત લઈ, ગ્રામજનો સાથે લોક સંવાદ કરી તેમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે.
મહેસુલી અધિકારીઓની આ મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા ૧૩૮૦ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. જે પૈકી ૭૫૨ પ્રશ્નોનું હકારાત્મકતા સાથે નિરાકરણ કરવામાં આવ્યું છે.
લોક સંવાદ કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા રસ્તા, આરોગ્ય, વીજળી, ગેરકાયદે દબાણ, પીવાના પાણી, એસટી બસ સ્ટોપેજ, ગટર લાઈન સફાઈ, રેશનકાર્ડ, આંગણવાડી, મધ્યાન ભોજન કેન્દ્ર, આવાસ યોજના, રસ્તાનું સમારકામ, મોબાઈલ ટાવર, વરસાદી પાણીનો ભરાવો, આંગણવાડી ફરતે કંપાઉન્ડવોલ બનાવવા સહિત પ્રશ્નોની વ્યક્તિગત તેમજ સામુહિક રજૂઆતો કરવામાં આવી હતી. જેના નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા કરાયેલી કાર્યવાહીની સમીક્ષા અર્થે પ્રાંતના અધ્યક્ષસ્થાને ચોથા ગુરૂવારે બેઠક પણ યોજાઈ રહી છે.