Gujarat

પોરબંદરમાં P.F. હડપ કરી જનારો શખ્સ 28 વર્ષે અમદાવાદમાંથી પકડાયો

By GS TEAM
25 Sep 20252 mins read
પોરબંદરમાં P.F. હડપ કરી જનારો શખ્સ 28 વર્ષે અમદાવાદમાંથી પકડાયો

1997ની સાલમાં કર્ણાટકમાં આરોપી સામે એક સાથે 42 જેટલા આ જ પ્રકારના છેતરપિંડીના ગુન્હા નોંધાયા હતા  :  પોલીસે અમદાવાદ ડ્રાઇવ ઇન પાસે ફલેટમાંથી દબોચી લીધો : યુવાવસ્થામાં ગુન્હો નોંધાયો હતો જેને વૃદ્ધાવસ્થામાં 75 વર્ષની ઉંમરે પોરબંદર LCBએ અમદાવાદથી પકડી પાડયો 

પોરબંદર, : પોરબંદરની  સિમેન્ટ ફેક્ટરી ના કર્મચારીઓના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ અને ફેમિલી પેન્શનના 6,50,070 રૂપિયાની કપાત કરી કાયદા પ્રમાણે બેન્ક એકાઉન્ટમાં જમા નહીં કરાવવાના ગુનામાં 1997ની સાલથી વોન્ટેડ ડાયરેક્ટર સામે યુવાવસ્થામાં ગુન્હો નોંધાયો હતો જેને વૃદ્ધાવસ્થામાં 75વર્ષની ઉંમરે પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદથી પકડી પાડયો છે.

કમલાબાગ પો.સ્ટે. માં સને 1997 માં નોંધાયેલ ગુન્હામાં  કલકત્તા પશ્ચિમ બંગાળ ના ડાયરેક્ટર વિનોદકુમાર ઓનકારમલ હીરાલાલજી કલાનીએ પોરબંદર એચ.એમ.પી. સિમેન્ટ વર્કસના કર્મચારીઓના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ તથા ફેમીલી પેન્સનના રૂા. 6,50,070 ની કપાત કરી  સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં જમા નહીં કરાવી હોવાનો ગુનો રજી. થયેલ હતો.

ઉપરોકત ગુનાનો છેલ્લા 28 વર્ષથી નાસતો ફરતો આરોપી વી.કે.કલાની કલકત્તા વાળો હાલ અમદાવાદ ખાતે રહેતો હોવાની હકીકત ઉપલબ્ધ થતાં પોલીસે ટીમે અમદાવાદ બ્લોક નં. 1 ફલેટ નં. 404 ઇન્દ્રપ્રસ્થ ટાવર, ડાઈન ઇન રોડ, ડ્રાઇવ ઇન સિનેમા પાસે તેના ફલેટમાંથી મળી આવતા આરોપી વિનોદકુમાર ઓનકારમલ કલાની ઉ.વ. 75 રહે. હાલ અમદાવાદ ને ઉપરોકત ગુન્હાના કામે વધુ પુછપરછ અર્થે હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા માટે કમલાબાગ પો.સ્ટે. સોંપી આપવામાં આવેલ છે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા એવું જાણવા મળ્યું છે કે કર્ણાટકના કાલાબૂગીં જિલ્લાના શાહબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ ઇસમ સામે 1997ની સાલમાં એકી સાથે 42 જેટલા આ જ પ્રકારના છેતરપિંડીના ગુન્હા નોંધાયા હતા. જેમાં કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડની રકમ ઓળવી ગયાનું જણાયું હતું.