Get The App

૭૫ વિસ્થાપિતોને શેલ્ટર હોમમાં ખસેડાયા, વટવા વાનરવટ તળાવની જગ્યામાં ૪૫૦ ગેરકાયદે બાંધકામ તોડાયા

કુલ ૫૪,૮૮૩ ચોરસમીટર જગ્યા ખુલ્લી કરાઈ, ૭૭૦ મીટરનો રસ્તો ખુલ્લો થયો, તળાવને ઈન્ટરલિંક કરાશે

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
૭૫ વિસ્થાપિતોને શેલ્ટર હોમમાં ખસેડાયા, વટવા વાનરવટ તળાવની જગ્યામાં ૪૫૦ ગેરકાયદે બાંધકામ તોડાયા 1 - image

અમદાવાદ,મંગળવાર,20 જાન્યુ,2026

દક્ષિણ ઝોનમાં અગાઉ ચંડોળા, ઈસનપુર પછી મંગળવારે વટવા વોર્ડમાં આવેલા વાનરવટ તળાવની જગ્યામાં બાંધી દેવામા આવેલા ૪૫૦ કાચા-પાકા ગેરકાયદે રહેણાંક અને કોમર્શિયલ બાંધકામ કોર્પોરેશનના ૩૦૦થી વધુ અને પોલીસના ૪૦૦ કર્મચારીઓ અને અધિકારીઓની હાજરીમાં ૧૦ હિટાચી મશીન સહિતની મશીનરીની મદદથી તોડી પડાયા હતા. આ કામગીરીના કારણે તળાવની ૨૮,૨૨૭ ચોરસમીટર સહિત કુલ ૫૪,૮૮૩ ચોરસમીટર જગ્યા ખુલ્લી થવા પામી હતી.  કામગીરી દરમિયાન ૭૫ વિસ્થાપિતોને અલગ અલગ શેલ્ટર હોમમા ખસેડાયા હતા. આગામી સમયમાં આ તળાવને અન્ય તળાવ સાથે ઈન્ટરલિંક કરી વરસાદી પાણીનો સંગ્રહ કરવામા આવશે,

વાનરવટ તળાવની જગ્યામાં વર્ષોથી થયેલા ગેરકાયદે બાંધકામોને કોર્પોરેશન તરફથી અગાઉ નોટિસ આપવામા આવી હતી.મંગળવારે સવારથી જ અલગ અલગ ટીમ બનાવી તળાવની જગ્યામા તેમજ આસપાસના વિસ્તારના રહેણાંક અને કોમર્શિયલ બાંધકામ તોડવાની સવારે ૮ વાગ્યાથી કામગીરી શરૃ કરવામાં આવી હતી. આ કામગીરીમાં કોર્પોરેશનના એસ્ટેટ ઉપરાંત હેલ્થ, ફાયર અને યુ.સી.ડી.વિભાગનો સ્ટાફ જોડાયો હતો.કામગીરીને ચાર બ્લોકમાં વહેંચવામા આવી હતી.કામગીરીના કારણે ટી.પી.સ્કીમ મુજબ બગીચા માટે રીઝર્વ ફાઈનલ પ્લોટ નંબર-૬૬ની ૬,૬૫૮ ચોરસ મીટરની જગ્યા તથા તળાવની આસપાસના ૧૮ અને ૨૪ મીટર પહોળાઈના રસ્તા ઉપરથી ૧૯૦ જેટલા દબાણ દુર કરવામા આવ્યા હતા.કોર્પોરેશન તરફથી એ.એમ.ટી.એસ.ની બસ દ્વારા ૭૫ વિસ્થાપિતોને લાંભા અને નારોલ ખાતે આવેલા શેલ્ટર હોમ ખાતે ખસેડાયા હતા.આગામી સમયમાં આ તળાવને તળાવ ઈન્ટરલિંક પ્રોજેકટ અંતર્ગત મહાલક્ષ્મી અને રોપડા તળાવ સાથે જોડવામા આવશે.આ પ્રોજેકટથી નીચાણવાળા વિસ્તારોમા વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે.રસ્તાઓ ઉપર ટ્રાફિકની સમસ્યામા ઘટાડો થશે.