સુરતના દરિયાકાંઠે 75, સિટીમાં 24 કિ.મી.ની ઝડપે પવનો ફુંકાયા
- બિપોરજોય વાવાઝોડાની સૌરાષ્ટ્ર્માં ટક્કર પહેલા પવનની ગતિ વધી
- ભારે પવનથી ટુ-વ્હીલર ચાલકો પણ હાલકડોલક : શહેરમાં હોર્ડિંગ્સ-પતરા ઉડયા, બાવીસથી વધુ વૃક્ષ ધરાશયી
સુરત
બિપોરજોય વાવાઝોડાની અસર સુરત શહેરમાં જોવા મળતા આજે દિવસના તાપ અને વાદળીયુ મિશ્રિત હવામાન નોંધાવાની સાથે શહેરમાં કલાકના ૨૪ કિ.મીની ઝડપે પવન ફુંકાતા શહેરીજીવન ખોરવાયુ હતુ. તો દરિયાઇ કાંઠા વિસ્તારમાં બપોરે ત્રણ વાગ્યે સૌથી વધુ કલાકના ૭૫ કિ.મીની ઝડપે પવન ફુંકાતા વહીવટીતંત્ર દોડતુ થયુ હતુ. કોઇ જાનહાની થઇ નથી. સુવાલીના દરિયામાં ૨૦ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા.
અરબી સમુદ્ર પર ત્રાટકનાર બિપોરજોય વાવાઝોડાની અસર આજે સુરત શહેરમાં સૌથી વધુ જોવા મળી હતી. સવારથી જ દક્ષિણ-પશ્રિમ દિશામાંથી ભારે પવન ફુંકાવવાનું શરૃ થયુ હતુ. તે આજે આખો દિવસ ચાલુ રહ્યુ હતુ. સવારે વાદળછાયુ હવામાન રચાવાની સાથે ઠંડો પવન ફુંકાયો હતો. અને કેટલાક વિસ્તારમાં છાંટા પડયા હતા. ત્યારબાદ આખો દિવસ મિશ્ર હવામાન તાપ સાથે વાદળો અને ઠંડો પવન ફુંકાતા શહેરીજનો આ વાતાવરણથી અચરજ પામ્યા હતા વરસાદ પણ પડતો ના હતો. અને તાપ પણ પડતો ના હતો. એવુ વાતાવરણ નોંધાયુ હતુ. સાથે જ સુરત શહેરમાં કલાકના ૨૪ કિ.મીની ઝડપે પવન ફુંકાતા સ્કુટી, મોપેડ કે મોટરસાઇકલ લઇને બહાર નિકળનારાઓની હાલત કફોડી થઇ હતી. જેમાં બ્રિજ પરથી પસાર થતી વેળા તો મોપેડ સાથે ઉડી જવાઇ તેવો પવન ફુંકાયો હતો.પવનની ગતિના કારણે શહેરીજનોએ આખો દિવસ મુશ્કેલી અનુભવી હતી.
સુરત શહેરમાં દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના ૨૪ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. તો દરિયાઇ કાંઠા વિસ્તારમાં કલાકના ૬૮ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. આ પવનની ઝડપ બપોરે ત્રણ વાગ્યે નોંધાઇ હતી. તો આખો દિવસ ૪૦ થી ૬૮ કિ.મીની ગતિ નોંધાઇ હતી. દરિમયાન મોડી સાંજે ૬ વાગે હવામાન વિભાગમાંં પવનની ઝડપ વધીને કલાકના ૭૫ કિ.મી. નોંધાઈ હતી. અને સુવાલીના દરિયામાં ૨૦ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. ભારે પવનના કારણે સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં બેનરો, પતરાઓ, વૃક્ષો ધરાશયી થવાના બનાવ બન્યા હતા. પરંતુ કોઇ જાનહાનિ ના સમાચાર પ્રાપ્ત થયા નથી. આ અસરના કારણે વહીવટીતંત્ર પણ દોડતુ થઇ ગયુ હતુ. સાથે જ આજે સુરત શહેર અને જિલ્લામાં કયાંય વરસાદ નોંધાયો નથી.
સુરતમાં તાપમાનનો પારો આંશિક ઘટતા ગરમીમાં રાહત
સુરત શહેરમાં પૂરઝપે પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો થઇને ૩૩.૬ ડિગ્રી નોંધાતા શહેરીજનોએ ગરમીથી રાહત અનુભવી હતી.
હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરત શહેરનું અધિકતમ તાપમાન ૩૩.૬ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૭.૩ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા, હવાનું દબાણ ૧૦૦૨.૭ મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના ૨૪ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. આખો દિવસ મિશ્ર હવામાન અને તાપમાન ઘટતા શહેરીજનોએ અસહય ગરમી અને ઉકળાટથી રાહત અનુભવી હતી.
દિવસ દરમિયાન દરિયા કિનારે પવનની ગતિ
સમય પવનની ગતિ (કિ.મી)
સવારે
૮ ૫૮
સવારે
૧૧ ૬૦
બપોરે
૧૨ ૬૦
બપોરે
૧ ૬૫
બપોરે
૨ ૬૦
બપોરે
૩ ૬૮
બપોરે
૪ ૬૦
સાંજે
૫ ૫૦